મ્યુનિ.શાસકોની કાર્ય પધ્ધતિ અને પ્રાયોરીટીમાં મહત્વના બદલાવ !
મેલેરિયા વિભાગને ર૦૦ મજૂરો આપવા માટે ગહન ચર્ચા-વિચારણા હાઉસીંગ પ્રોજેકટના માત્ર રૂ.૧૦૦ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં સમય ન વેડફાય તેની તકેદારી પણ રાખી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ શાસકો એ છેલ્લા કેટલાક સમયથી કાર્યપધ્ધતિ અને કામ-પ્રાયોરીટીમાં બદલાવ કર્યા છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી નવા નિયમો અને સિધ્ધાંત મુજબ કામ કરે છે. જેમાં “હાથી નીકળી ગયા બાદ પુંછડી પકડી રાખવાની” પધ્ધતિ મુખ્ય છે. પ્રજાકીય આરોગ્ય સુખાકારી હોય કે અન્ય પ્રાથમિક સુવિધા ના કામ માટે ગહન વિચાર થાય છે. તથા સામુહિક ચર્ચા માટે જે તે પ્રજાકીય કામ પર નિર્ણય લેવામાં આવતા નથી.
જયારે કોન્ટ્રાકટરોના ફાયદાનું કામ હોય તેમાં ચર્ચાને કોઈ જ અવકાશ રહેતણો નથી ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમીટી ની બેઠકમાં કોઈક આ પ્રકારનો જ ખેલ જાવા મળ્યો હતો. નિસિપલ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ચેરમેન અને સભ્યોએ ખૂબ જ ચર્ચા-વિચારણા કરીને પ્રજાલક્ષી કામો પર નિર્ણય કર્યા હતા. જેમાં માત્ર ચોમાસાની સીઝન માટે મેલેરિયા વિભાગમાં હંગામી ધોરણે મજૂર રાખવાનો નિર્ણય અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
મ્યુનિ. આરોગ્ય ખાતા દ્વારા લગભગ એક મહીના પહેલા ૩પ૦ મજૂર રાખવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેને હેલ્થ કમીટીએ મંજૂરી પણ આપી હતી. પરંતુ સ્ટેન્ડીગ કમીટીએ સદ્દર મંજૂરી નો છેદ ઉડાવી કોઈ જ નિર્ણય કર્યો ન હતો. પંદર દિવસ બાદ ફરીથી દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. ત્યારે કરદાતાઓ માટે પણ કાંઈક કામ કરવા જાઈએ તેવી ભાવના પ્રગટ થઈ હતી.
તેથી મેલેરિયા ખાતાને મજૂરો રાખવા માટે મંજૂરી આપી છે. પરંતુ કરદાતાઓના નાણાનો વેફડાટ ન થાય તે હેતુથી મજુરોની સંખ્યા ૩પ૦ થી ઘટાડીને ર૦૦ કરવામાં આવી છે. “ચોમાસાની સીઝન લગભગ પ૦ ટકા પૂર્ણ થઈ” હોવાનું કમીટીના સભ્યો માનતા હોવાથી સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
હવે ખાતાના ઉચ્ચ અધિકારી ર૦૦ મજૂરોની ઝોનવાઈઝ કેવી રીતે ફાળવણી કરવી તેના સમીકરણ ચકાસી રહયા છે. કાંકરીયા રાઈડ્સ દુર્ઘટના બાદ મનપાના હોદેદારો કાંકરીયાનું નામ સાંભળી ને જ ભડકી જાય છે.
તેથી કાંકરીયા ફ્રન્ટમાં ડેકોરેટીવ લાઈટીંગ માટેના કામ પર નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના માટે અંદાજ થી ૪૬ ટકા નીચા ભાવ આપ્યા હોવાથી પ્રેઝન્ટેશન બાદ જ વિચારણા થશે તેવા કારણ આપવામાં આવ્યા છે. જેની સામે કોર્પોરેશનના વિવિધ કાર્યક્રમો માટે ૬૧ ટકા નીચા ભાવથી ગાંધી ડેકોરેશનને કામ આપવામાં આવ્યું છે.
તેના માટે અલગ કારણો આપવામાં આવ્યા છે. સ્ટે.ચેરમેનના મંતવ્ય મુજબ ડેકોરેશનનો માલ સામાન પડી રહયો હોવાથી ૬૦ ટકા ઓછા ભાવથી કોન્ટ્રાકટર કામ લેવા તૈયાર થયા છે. ચેરમેને થોડી રકઝક કરી હોત તો ૮૦ ટકા સુધી ભાવ ઘટાડો નો લાભ તંત્ર મળ્યો હોય તેમ નિષ્ણાંતો માની રહયા છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીએ ખૂબ જ હીંમતપૂર્વક “મેયર” અને “કમીશ્નર” કિક્રેટ ટીમ ના ખર્ચનું વેરીફેકીશન કરવાનું નકકી કર્યું છે.
બે ટીમો માટે લગભગ રૂ.આઠ લાખનો ખર્ચ થયો હોવાથી કમીટી દ્વારા ઓડીટ કરવામાં આવશે. ત્યારબાદ જ મંજૂરી આપવામાં આવશે. આમ, સ્ટેન્ડીંગ કમીટીએ ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને પ્રજાના નાણાના વેડફાય તે રીતે બે-ત્રણ કામો માટે નિર્ણય કર્યો છે. જયારે હાઉસીગ પ્રોજેકટ દ્વારા એલ.આઈ.જી.આવાસો માટે રજુ કરવામાં આવેલ માત્ર રૂ.૧૦૦ કરોડ નું કામ એક જ કોન્ટ્રાકટર ને આપવામાં આવ્યું છે.
કોન્ટ્રાકટરને પણ ઘર ચલાવવાનું હોય છે. અને તહેવારના દિવસો પણ આવી રહયા છે. તેથી રહેમનજરે રૂ.૧૦૦ કરોડનું કામ સોંપવામાં આવ્યું છે. ચોમાસાની સીઝન બાદ જ કામ શરૂ કરવામાં આવશે પરંતુ મંજૂરી મળી ગયા બાદ કોન્ટ્રાકટરનો પરીવાર રાજી થશે તેવો શુભ આશય સદ્દર મંજૂરી પાછળ જાવા મળ્યો છે.
જયારે ઘાટલોડીયા વોર્ડમાં આર.સી.સી.રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાવવાનું કામ ચોમાસા બાદ જ થાય તેમ હોવાથી ફરીથી ટેન્ડર મંગાવવામાં માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સીંગલ ટેન્ડર અને ચોમાસા પછી કામ થવાના કારણો સાથે દરખાસ્ત અનિર્ણીત રહી છે. સદ્દર કામ માટે રૂ.એક કરોડ નો જ ખર્ચ થાય તેમ છે.
આટલી રકમથી કોન્ટ્રાકરને પણ કોઈ લાભ નહી થાય તેવી અમી દ્રષ્ટિ પણ જાવા મળી રહી છે. પરંતુ રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના સભ્યો એ પ્રજાને ફાયદો થશે તેવા શુભ ઈરાદાથી ઘાટલોડીયાના કામને મંજૂરી આપી હતી. કદાચ આ લોકો લાગણી ના પ્રવાહમાં આવી ગયા હશે ! ઉલ્લેખનીય બાબત એ છે કે કમીટી ચેરમેન અને સભ્યો પ્રજાકીય કામો ચર્ચામાં એટલા મશગુલ થઈ ગયા હતા કે કાંકરીયા રાઈડસ દુર્ઘટના અંગે ચર્ચા કરવાનો પણ સમય રહયો ન હતો.
પરંતુ કમીટી ચેરમેન પ્રજાકીય કામો વચ્ચે પણ સમય ફાળવી ને કેચપીટો અને મેનહોલ ની કામગીરી બદલ કમીશ્નરને અભિનંદન આપવાનું ચુકયા ન હતા. આને કહેવાય નમ્રતા.