Western Times News

Gujarati News

મ્યુનિ. સંચાલિત વીર સાવરકર સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષમાં દરેક રમત માટે ડબલ ફી ચૂકવવી પડશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ ક્યારેક આ સુવિધાના ઉપયોગ માટે નાગરિકો પાસેથી જે ફી લેવામાં આવે છે તે ગરીબ-મધ્યમ વર્ગને પોષાય તેમ હોતી નથી

જેના કારણે સામાન્ય વર્ગના નાગરિકો આ સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. જયારે બીજી તરફ જે તે સુવિધાના વાર્ષિક નીભાવ ખર્ચ સામે તંત્રને તદ્‌ન નજીવી આવક થતી હોય છે જેના કારણે પણ ના છુટકે ભાવ વધારો કરવાની ફરજ પડે છે.

શહેરના મેમ્કો વિસ્તારમાં મ્યુનિ. કોર્પો. સંચાલિત વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્સની વિવિધ એક્ટિવિટી માટે ભાવ વધારો કરવા માટે વિધિવત મંજુરી આપવામાં આવી છે જેના કારણે સભ્યોની સંખ્યા ઘટી જવાની પણ દહેશત વ્યકત થઈ રહી છે.

વીર સાવરકર સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષમાં ૨૧ જેટલી વિવિધ એક્ટિવિટી-રમતોમાં ભાવ વધારાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટિમાં મંજૂર કરી દેવામાં આવી છે. જેથી હવે આ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સમાં આવનારા સભ્યોએ જે ભાવવધારો કરીને ડબલ ફી નક્કી કરી તે ચુકવવી પડશે. વીર સાવરકર કોમ્પ્લેક્સના સભ્યોએ ખાનગી જીમ અને સ્પોર્ટ્‌સ એક્ટિવિટીમાં જેટલી ફી લેવામાં આવે છે, તેટલી ફી હવે સરકારી સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સમાં તેટલી જ ફી ભરવી પડશે.

આ ઉપરાંત જે પણ સભ્ય બને તેણે પોતાના વોર્ડના કોર્પોરેટરના સહી સિક્કા કરાવવા હવે ફરજિયાત રહેશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ર૦૧૦માં લોકાર્પણ થયા બાદ પ્રથમ વખત નજીવો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે રીનોવેશન પાછળ રૂ. ૮ કરોડનો ખર્ચ થયો હતો. આ ભાવવધારો કરવાથી વાર્ષિક રૂ. ૮ લાખ આવક વધશે. દર વર્ષે રૂ. ૨૭ લાખ જેવી આવક સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સની થાય છે. તેમ તેમણે જણાવ્યું હતું.

મ્યુનિ. કોર્પોરેશને દરેક રમતો માટે જે ચાર્જ લેવામાં આવે છે તેની ફીમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ્નેશિયમમાં સૌથી વધુ ફી વધારો કરવામાં આવ્યો છે.

ખાનગી જીમમાં જેટલી ફી હોય છે તેટલી નક્કી કરવામાં આવી છે. જીમમાં એક મહિનાની ફી ૩૦૦ રૂપિયા હતી તેની જગ્યાએ ૬૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે, ત્રણ મહિનાની ફી ૪૫૦ રૂપિયા હતી તેની જગ્યાએ સીધી ૧૮૦૦ રૂપિયા, ૬-મહિનાની ફી ૯૦૦ની જગ્યાએ સીધી ૩૬૦૦, તેમજ વાર્ષિક ફી ૧૫૦૦ની જગ્યાએ સીધી ૬૦૦૦ ફી કરી દીધી છે.

નવા ભાવ વધારા મુજબ સભ્ય ફોર્મ અત્યારે ૨૫ રૂપિયા છે જેમાં વધારો કરી અને ૩૦ રૂપિયા નક્કી કરવા આવી છે. પાર્ટીપ્લોટ નું ભાડું ૨૦,૦૦૦ રૂપિયા અને ૧૦૦૦૦ રૂપિયા ડીપોઝીટ હતી તેની જગ્યાએ તેમાં વધારો કરી અને ૩૫૦૦૦ રૂપિયા ભાડું અને રૂ. ૧૦,૦૦૦ ડિપોઝિટ કરી દેવામાં આવી છે.

સભ્ય ફીમાં વિદ્યાર્થીઓને ૫૦ ટકા કન્સેશન આપવામાં આવે છે જેમાં ઘટાડો કરી હવે ૩૦ ટકા જ આપવામાં આવશે. સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ પાસનો ૨૫ રૂપિયા ભાવ હતો તેનો વધારીને હવે એક્ટિવિટી માટે ડબલ કરી અને ૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે લાઇબ્રેરી, સ્વિમિંગ પૂલ અને જિમ માટે ગેસ્ટ પાસ હવેથી બનાવી આપવામાં આવશે નહિ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.