મ્યુનિ. સબ કમિટી ચેરમેનો નવી ગાડીમાં ફરશે
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની સબ-કમિટી ચેરમેનો માટે નવી ગાડીઓ લેવામાં આવી છે. સાથે-સાથે અન્ય બે અધિકારીઓ માટે પણ નવી ગાડી ખરીદ કરવામાં આવી છે.
મ્યુનિ.કોર્પાેરેશનના આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ. સબ-કમિટીના ચેરમેનો માટે નવી મારૂતી-એર્ટીગા પ્રકારની ૧૧ ગાડીઓ ખરીદવા માટે ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેની ડીલીવરી મનપાને મળી ગઈ છે. તથા આગામી બે-ત્રણ દિવસમાં જ સબ કમિટી ચેરમેનો નવી ગાડીમાં મુસાફરી કરશે. સબ-કમિટી ચેરમેનોની સાથે-સાથે મ્યુનિ.સેક્રેટરી અને ચીફ ઓડીટર માટે પણ નવી ગાડી ખરીદ કરવામાં આવે છે. આ બંને અધિકારીઓ માટે “ઈનોવા”ની ખરીદી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સબ-કમિટી ચેરમેનો માટે નવી સ્વીફ્ટ- ડી ઝાયર પ્રકારની ગાડીની ખરીદી કરવામાં માટે સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ સબ કમિટી ચેરમેનોએ “એર્ટીગો”ની માંગણી કરી હતી. તથા મ્યુનિ.સેક્રેટરી અને ચીફ ઓડીટરે “ઈનોવા”ની ડીમાન્ડ કરી હતી. જેની સામે મ્યુનિ.કમિશ્નરે ઠરાવ મુજબ ગાડીઓ ખરીદ કરવાની જીદ પકડી હતી. તેથી સદર ખરીદી લગભગ ૬ મહિના સુધી થઈ શકી ન હતી. અંતે મ્યુનિ.હોદ્દેદારોની દરમ્યાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો તથા નવી કમિટી ચેરમેનો અને અધિકારીઓની પસંદગી મુજબ નવી ગાડીઓની ખરીદી થી છે. ભૂતકાળમાં મ્યુનિ.હોદ્દેદારો માટે જૂની ગાડીઓ રાખીને ડે.મ્યુનિ.કમિશ્નરો માટે “ઈનોવા” ગાડી ખરીદ કરવામાં આવી હતી. જેની સામે ઉહાપોહ થયા બાદ હોદ્દેદારો માટે પણ “ઈનોવા” ગાડીની ખરીદી કરવામાં આવી છે.