મ્યુનિ. સભાગૃહમાં કોંગ્રેસે ‘કમિશ્નર હાય-હાય’ ના નારા લગાવ્યા
ભ્રષ્ટ અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ કરવામાં આવશેઃ દિનેશ શર્મા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેતા પ્રોજેક્ટોનું યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યુ નથી. મ્યુનિસિપલ શાસકો ખાત્મુહુર્તો કરીને આત્મ સંતોષ માની રહ્યા છે. જેનો સીધો લાભ ભ્રષ્ટ અધિ(ારીઓ અને કોન્ટ્રાક્ટરોને મળ રહ્યો છે.
જલવિહાર પ્લાન્ટની નિષ્ફળતા છુપાવવા નિરર્થક પ્રયાસ થઈ રહ્યા હોવાની વ્યાપક ચર્ચા |
મ્યુનિસિપલ અધિકારીઓ જે તે પ્રોજેક્ટની ટેન્ડર શરતો કે એમઓયુ ના ઉલ્લંઘન કરીને મન મુકીને ગેરરીતિ કરે છે. તથા કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે જ મનપાને આર્થિક નુકશાન કરી રહ્યા છે. મ્યુનિસિપલ વહીવટી તંત્રના વડા આ તમામ બાબતોથી વાકેફ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. તથા આ પ્રકારની ગેરરીતિ છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એવા સીધા આક્ષેપ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મનપાના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત ‘કમિશ્નર હાય હાય’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ ઝીરો અવર્સની ચર્ચા દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નર અને અન્ય અધિકારીઓને આડા હાથે લીધા હતા. તેમના જણાવ્યા અનુસાર મ્યુનિસિપલ કમિશ્નરની રહેમ નજર હેઠળ જ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર પ્રદુષણ મુક્ત વાતાવરણ માટે પ્રયાસ કરે છે. જ્યારે મ્યુનિસિપલ કમિશ્નર અને ઈજનેર ખાતાના અધિકારીઓ સાબરમતી નદીને પ્રદુષિત કરી રહ્યા છે. નદીમાં બેરોકટોક કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યા છે. કેમિકલયુક્ત પાણીના કારણે જ વિંઝોલ એસટીપી પ્લાન્ટની મશીનરી ખવાઈ ગઈ છે. આ પ્લાન્ટમાંથી દૈનિક ૭૦ એમએલડી કેમિકલયુક્ત પાણી બાયપાસ થઈ રહ્યુ છે.
ચદ્રભાગા નાળમાં આવતા દુષિત પાણીને ટ્રીટ કરવા માટે રૂ.૭૦ કરોડના ખર્ચથી ૬૦ એમએલડી ક્ષમતાનો ‘જલવિહાર’ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સદર પ્લાન્ટના કામમાં અસહ્ય વિલંબ થયો હોવા છતાં કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં આવી નથી. પ્લાન્ટ પૂર્ણ થયામાં થયેલ વિલંબ માટે આસપાસના ઝુંપડાવાસીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જે હાસ્યાસ્પદ બાબત છે. જલવિહાર પ્લાન્ટમાં બીઓડી અને સીઓડીના પેરામીટર જળવાતા નથી. જેના કારણે ટોરેન્ટ પાવર લીમીટેડ ટ્રીટેડ વાટર પણ લેવાની ના પાડે છે.
જલવિહાર પ્લાન્ટમાં રૂ.૧ર.૪૬ કરડના ખર્ચથી ઓપરેશન-મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તથા બાંધકામ માટે રૂ.૭૦.૯૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, રૂ.૮૩.૩૩ કરોડના ખર્ચ બાદ પણ કેન્દ્રીય પોલ્યુશન બોર્ડના પેરામીટર જળવાતા નથી તેમ છતાં અધિકારીઓ નિષ્ક્રીય છે. જલવિહાર એસટીપીનો બીઓડી-સીઓડી રીપોર્ટ જાહેર કરવામાં આવતો નથી. મ્યુનિસિપલ સેન્ટ્રલ લેબોરેટરી પાસે માંગણી કરવામાં આવતા કમિશ્નર તરફ ‘ખો’ આપવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશ્નરને એક માસથી જલવિહાર પ્લાન્ટના રીપોર્ટ માટે પત્ર લખ્યો છે. પરંતુ હજુ સુધી કમિશ્નરે પણ રીપોર્ટ આપ્યો નથી. મ્યુનિસિપલ કમિશ્નર ભ્રષ્ટાચાર અને હકીકત છુપાવી રહ્યા છે. આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા અન્ય હકીકત જાહેર કરવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓ સામે એસીબીમાં ફરીયાદ કરવામાં આવશે એવી ચેતવણી પણ વિપક્ષ નેતાએ આપી હતી.
મ્યુનિસિપલ કોંગ્રેસે પક્ષના નેતાની આક્રમક રજુઆતના પગલે સભાગૃહમાં સન્નાટો છવાઈ ગયો હતો.
મ્યુનિસિપલ કમિશ્નર તથા હોદ્દેદારો પાસે તેમના સવાલના કોઈ જવાબ ન હોતા. તેથી મ્યુનિસિપલ ભાજપ પક્ષના નેતા અમિતભાઈ શાહે ટેન્ડર કમિટીમાં દિનેશ શર્માને રાખવામાં આવે એક પ્રકારનું નિવેદન કર્યુ હતુ. જેમાં તેમનો મૂળ આશય કામ કરી ગયો હતો. તથા વિપક્ષી નેતાને ટેન્ડર માટે કોની ઓફિસમાંથી ફોન આવે છે તથા ભાજપના કેટલાં કોર્પોરેટરો કઈ કંપનીમાં પરોક્ષ રીતે ભાગીદાર છે તે બાબત અમને ખબર છે.
એવા જવાબ આપીને ભાજપ નેતાના ચક્રવ્યુહમાં સફાઈ ગયા હતા. અને ફસાયેલા કમિશ્નર અને હોદ્દેદારોનો બચાવ થયો હતો. વિપક્ષી નેતાના નિવેદન બાદ સભાગૃહમાં ધાંધલ-ધમાલ શરૂ થઈ હતી. તથા સુત્રોચ્ચાર શરૂ કરાયા હતા. જેમાં ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસ વિરૂધ્ધ નારાબાજી કરી હતી
જ્યારે કોંગી કોર્પોરેટરોએ કમિશ્નર ‘હાય હાય’ ના નારા લગાવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કદાચ પ્રથમ વખત વહીવટી તંત્રના વડા વિરૂધ્ધ આ પ્રકારના સુત્રોચ્ચાર થયા મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોનું માનીએ તો ‘જલવિહાર’ પ્લાન્ટ મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલ પેરામીટર મુજબ સુઅરેજ વાટર ટ્રીટ થતું નથી.
‘જલવિહાર’ માં બીઓડી અને સીઓડી ની માતર વધારે છે. તેથી મ્યુનિસિપલ કમિશ્નરે તેના રીપોર્ટ જાહેર ન કરવા માટે જવાબદાર અધિકારીઓને આદેશ કર્યા છે. ખાસ કરીને ટોરેન્ટ પાવરનો ઈસ્યુ જાહેર થયા બાદ ‘જલવિહાર’ મામલે ‘સેન્સરશીપ’ જાહેર કરવામાં આવી છે. સીટી ઈજનેર પણ જલવિહારના બીઓડી-સીઓડી મામલે હરફ-સુધ્ધા ઉચ્ચારવા તૈયાર નથી. સદ્દર પ્રોજેક્ટ માટે કરવામાં આવેલા ખર્ચ એળે ગયો હોય તેમ લાગી રહ્યુ છે.
તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવતા નથી. એનજીટી અને સીનીસીટીના નોર્મ્સ જળવાતા ન હોવાથી સીટી ઈજનેર અને કમિશ્નરના માથે માછલા ધોવાય એ સ્વાભાવિક બાબત છે. પરંતુ કમિશ્નર જે રીતે વાસ્તવિક્તા છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેના કારણે ખોટું થઈ રહ્યુ હોવાની શંકા પ્રબળ બને છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.