મ્યુનિ.સીટી ઈજનેરને “સેફ પેસેજ” આપવા “સોફટ ટાર્ગેટ”ની શરૂ થયેલી શોધ
જવાબદાર અધિકારી સામે પગલા લેવા તથા જનહીત ખાતર આંદોલન કરવા કોંગ્રેસની ચીમકી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વર્ષ અગાઉ તૂટેલા રોડ-રસ્તાનો મામલો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. ર૦૧૭ની સાલમાં ૧૩૦ જેટલા રોડ તૂટી ગયા હતા. જે અંગે તત્કાલીન મ્યુનિ. કમીશ્નરે વોર્ડ કક્ષાએથી શરૂ કરી એ.ડી.સીટી ઈજનેર સુધીના અધિકારીઓને નોટિસ આપી હતી તથા વિજીલન્સ તપાસ પણ કરાવી હતી.
મ્યુનિ. વિજિલન્સ ખાતાની તપાસ પૂર્ણ થયા બાદ મ્યુનિ. કમીશ્નરે વોર્ડ લેવલના કર્મચારીઓને દંડ કરીને “સજા” મુકત કર્યા છે. જયારે ડેપ્યુટી ઈજનેર અને એડીશનલ સીટી ઈજનેર કક્ષાના અધિકારીઓની સજા હજી સુધી જાહેર કરવામાં આવી નથી. જે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહયા છે. મ્યુનિ. સીટી ઈજનેરને “સેફ પેસેજ” આપવા માટે ઉચ્ચ અધિકારી “સોફટ-ટાર્ગેટ” શોધી રહયા હોવાની ચર્ચાએ જાર પકડયું છે. જયારે રોડ-રસ્તા મામલે જવાબદારોને સાત દિવસમાં સજા કરવા માટે વિપક્ષ કોગ્રેસે માંગણી કરી છે.
અમદાવાદ શહેરમાં ર૦૧૭ની સાલમાં મોટા પાયે રોડ-રસ્તા તૂટી ગયા હતા. જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી પણ કરવામાં આવી હતી. હાઈકોર્ટોની ફીટકાર બાદ મ્યુનિ. તંત્ર હરકતમાં આવ્યું હતું તથા હાઈકોર્ટમાં એફીડેવીટ કરી ૧૦૦ કરતા વધુ રોડ-રસ્તા રીપેર કરાવ્યા હતા. આ મુદ્દે મ્યુનિ. કમીશ્નરે ઈજનેર ખાતાના અધિકારીઓને શો-કોઝ નોટીસ આપી હતી તેમજ વિજિલનસ તપાસ પણ શરૂ કરાવી હતી.
જે થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ છે. તથા પ્રાથમિક તબકકે વોર્ડ કક્ષાના કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે ડેપ્યુટી એન એડીશનલ સીટી ઈજનેર કક્ષાના અધિકારીઓની સજા મામલે મ્યુનિ. કમીશ્નર ગડમથલમાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે. જેનું મુખ્ય કારણ સીટી ઈજનેર હોવાનું માનવામાં આવી રહયું છે. જાણકારોના મંતવ્ય મુજબ ર૦૧૭ની સાલમાં રોડ તૂટયા તે સમયે વર્તમાન સીટી ઈજનેર નવા પશ્ચિમઝોનમાં એડીશનલ સીટી ઈજનેર તરીકે પદભાર સંભાળતા હતા.
રોડ તૂટયા બાદ તેમની પશ્ચિમઝોનમાં બદલી કરવામાં આવી હતી. પરંતુ નવા પશ્ચિમઝોનમાં તૂટેલા તમામ રોડ તેમની દેખરેખ હેઠળ તૈયાર થયા હતા. તેવી જ રીતે ડામરના “બોગસ બીલીંગ” કૌભાંડની શરૂઆત પણ નવા પશ્ચિમઝોનમાંથી થઈ હતી.
રોડ તૂટવા મુદ્દે તેમની સામે પણ વિજીલનસ તપાસ શરૂ થઈ હતી. દરમ્યાન મનપામાં કમીશ્નરની બદલી થઈ હતી. તથા વર્તમાન કમીશ્નરે કાર્યભાર સંભાળ્યા બાદ વર્તમાન સીટી ઈજનેર તેમના પ્રીતીપાત્ર થઈ ગયા છે. તેથી વિજિલન્સ તપાસ ચાલતી હોવા છતાં સીટી ઈજનેર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.
પરંતુ દેખાવ ખાતર તેમાં “વિજિલન્સ રીપોર્ટ ને આધીન” તેવી શરત રાખવામાં આવી છે.મ્યુનિ. વિજિલન્સ ખાતાએ રોડ અને બોગસ બીલીંગ કૌભાંડની તપાસ પૂર્ણ કરી છે. તેમજ કમીશ્નરે રીપોર્ટ સુપ્રત કર્યા છે.
મ્યુનિ.કમીશ્નરે ડેપ્યુટી અને એડી.સીટી ઈજનેર કક્ષાના અધિકારીઓના રીપોર્ટની ફાઈલ હજી સુધી નિર્ણય કર્યા નથી. જેનું મુખ્ય કારણ વિજિલન્સ રીપોર્ટ માનવામાં આવે છે. સુત્રોએ જણાવ્યા મુજબ રીપોર્ટ ના આધારે કાર્યવાહી થાય તો સીટી ઈજનેર ને સજા થાય તેમ છે. જા તેમની સજા જાહેર થાય તો “સીટી ઈજનેર” તરીકે તેમની ભરતી કરવા બદલ મ્યુનિ. કમીશ્નર જ શંકાના દાયરામાં આવી શકે છે. તથા તેમના માથે માછલા પણ ધોવાય તેમ છે.
તેથી કોઈપણ સંજાગોમાં “સીટી ઈજનેર” ને “સેફ મેસેજ” આપવા માટે તખ્તો તૈયાર થઈ રહયો છે. સીટી ઈજનેર ની નિવૃત્તિ આડે માત્ર એક વર્ષ જ બાકી રહયું છે. તેથી તેમનો મહત્તમ લાભ લેવા માટે કેટલાક “તક સાધુ” લોકો પણ પ્રયાસ કરી રહયા છે. તેમજ સીટી ઈજનેર ના સ્થાને બે-ત્રણ “સોફટ ટાર્ગેટ” શોધવા માટે કમીશ્નરને મદદ કરી રહયા હોવાની ચર્ચા એ વેગ પકડયો છે.
મ્યુનિ. કોગ્રેસ પક્ષે પણ તૂટેલા રોડ-રસ્તા મામલે જવાબદાર અધિકારીઓને તાકીદે સજા કરવા માંગણી કરી છે. મ્યુનિ. વિપક્ષી નેતા દિનેશ શર્માના જણાવ્યા અનુસાર ર૦૧૭ની સાલમાં રોડ તુટવાના કારણે તંત્ર ને રૂ.૧૦૦ કરોડનું આર્થિક નુકશાન થયું હતું. તેમજ નાગરીકોને પણ ભારે હાલાકી થઈ છે.
બોગસ બીલીંગ કૌભાંડમાં મોટા માથાને બચાવવા નીચલી પાયરીના કર્મચારીઓનો ભોગ લેવાયો છે. તેવી જ રીતે રોડ તૂટવા મામલે પણ નીચલી પાયરી ના અધિકારીઓનો જ ભોગ લેવામાં આવી શકે છે. વિજિલન્સ રીપોર્ટ દબાવી રાખી તથા જવાબદાર ઉચ્ચ અધિકારીને સજાના કરીને કમીશ્નર પ્રજાદ્રોહ કરી રહયા છે. જા સાત દિવસમાં આ મુદ્દે પગલા લેવામાં નહીં આવે તો પ્રજાહીત માટે કોગ્રેસ પક્ષ ઉગ્ર આંદોલન કરશે તથા કમીશ્નર ઓફીસની બહાર જ ધરણા-દેખાવો કરશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.