મ્યુનિ. સોલીડ વેસ્ટ અધિકારીએ વધુ એક વખત સર્વોપરિતા સાબિત કરી

ટો-મીલના જુના કોન્ટ્રાકટ રદ કર્યા: કોરોના વેસ્ટના કોન્ટ્રાકટ યથાવત્ રહયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં “ધાર્યુ અધિકારીનું થાય” તે બાબત વધુ એક વખત સિધ્ધ થઈ છે. મ્યુનિ. શાસક અને વિપક્ષના હાકોટા- ખોખારા બાદ પણ સોલીડ વેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી લેશમાત્ર મચક આપી રહયા નથી. સોલીડ વેસ્ટ વિભાગના ભ્રષ્ટાચાર મામલે ચૂંટાયેલી પાંખ દ્વારા વારંવાર આક્ષેપોકરવામાં આવે છે પરંતુ અંતે “ઘી ના ઠામમાં ઘી” પડી જાય છે. કોરોના કાળમાં પણ ચૂંટાયેલી પાંખની સામે સો.વે. અધિકારી તેમની સર્વોપરિતા સાબિત કરી છે. પીરાણા ડમ્પ સાઈટ પર ટ્રો.મીલ મશીન મુકવા માટે રાજકીય મહાનુભવોએ લાંબી કતાર લગાવી હતી ત્યારે ઉચ્ચ અધિકારીએ એક સાથે બધાને આંચકો આપી નવેસરથી ટેન્ડર જાહેર કર્યા છે. જયારે કોરોના બાયો મેડીકલ વેસ્ટ માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ મુળ ખર્ચ કરતા ત્રણ ગણી કિંમતથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેની સામે ચૂંટાયેલી પાંખ દ્વારા થોડો ગણગણાટ કરવામાં આવ્યો હતો પરંતુ નવા ટેન્ડર જાહેર કરાવી શકયા નથી .!
![]() |
![]() |
મ્યુનિ. સોલીડ વેસ્ટ ખાતામાં છેલ્લા પાંચ વર્ષથી ડાયરેકટરનું એકચક્રી શાસન ચાલી રહયુ છે. મ્યુનિ. કોર્પોરેશનમાં આ સમયગાળા દરમ્યાન ત્રણ વખત કમિશ્નરની બદલી થઈ છે પરંતુ સોલીડ વેસ્ટ ડાયરેકટરને તેમના સ્થાનેથી દુર કરવાની હીંમત વહીવટીતંત્ર અને સત્તાધીશો દાખવી શકયા નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૭માં ડોર ટુ ડમ્પના નવા ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા તે સમયે આકરી શરતો લગાવી હોવાના દાવા સાથે બમણાભાવથી જુના કોન્ટ્રાકટરોને જ કામ આપવામાં આવ્યું હતું. ચૂંટાયેલી પાંખ પણ જાણે છે કે “કચરામાં જ કંચન સમાયેલ” છે તેથી ડોર ટુ ડમ્પથી શરૂ કરી ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ સુધી કમાવી લેવા માટે બધા એ દોટ મુકી હતી. ચૂંટાયેલી પાંખની આ દુખતી રગ સોલીડ વેસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીના હાથમાં આવી ગઈ છે તેથી તેઓ મનસ્વી નિર્ણય લઈ રહયા છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી અને હેલ્થ કમીટીમાં તેમના વાણી- વર્તન મામલે અનેક વખત ઉગ્ર ચર્ચાઓ થઈ છે તથા ઠપકાની દરખાસ્ત લાવવા માટે પણ નિર્ણય થયા હતા પરંતુ વાત આગળ વધારવાની નૈતિક હિંમત કોઈ દાખવી શક્યા ન હતા.
જેના કારણે ઉચ્ચ અધિકારીની હિંમત વધી ગઈ છે જેનો લાભ કોરોના કાળમાં પણ લઈ રહયાછ ે. મ્યુનિ સત્તાધીશો “બાયો મેડીકલ વેસ્ટ” કલેકશનના કૌભાંડથી ભલી- ભ્રાંતિ વાકેફ હોવા છતાં બાયોમાઈનીંગની દ્રાક્ષના કારણે મૌન સેવી રહયા હતા. પરંતુ ખાતાના ઉચ્ચ અધિકારીએ એક ઝાટકે “દ્રાક્ષ ખાટી” હોવાનું જાહેર કર્યુ છે તેમ છતાં કોરોના બાયોમેડીકલ વેસ્ટના કૌભાંડ મામલે કાર્યવાહી થતી નથી ચોંકાવનારી બાબત એ છે કે નવા ટેન્ડરમાં પણ ટ્રો. મીલ મળવાની આશા રાખીને એક ઉચ્ચ હોદ્દેદારે “કોરોના બાયોમેડીકલ”ની કામગીરીના ભરપેટ વખાણ પણ કર્યા છે.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા બે મહીના દરમ્યાન સ્ટેન્ડીંગ કમીટીમાં સોલીડ વેસ્ટ ખાતાની કામગીરી અને અધિકારીના મનસ્વી જવાબ મામલે ઉગ્ર ચર્ચાઓ થઈ છે ટ્રો-મીલ મશીન તથા લીલા-વાદળી ડસ્ટબીન મામલે આક્ષેપો થયા બાદ પણ ઉચ્ચ અધિકારીના વલણમાં કોઈ જ ફરક પડયો નથી તેમજ ચૂંટાયેલી પાંખને સબક શીખવતા હોય તેમ ટ્રો. મીલ માટે નવા ટેન્ડર જાહેર કર્યા છે જયારે ડસ્ટબીન મામલે બીજા વિભાગ સામે આંગળી ચીંધી જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કર્યા છે. જયારે કોરોના દર્દીઓના ઘરેથી “વેસ્ટ” એકત્રિત કરવાના કોન્ટ્રાકટ યથાવત રહયા છે. સુત્રોએ જણાવ્યા મુજબ હોમ કવોરેન્ટાઈન તથા આઈસોલેટેડ દર્દીઓના ઘરેથી કચરો એકત્રિત કરવા માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જેમાં સ્પોટ ટુ ડમ્પ કે ડોર ટુ ડોર ના કોન્ટ્રાકટરની ગાડી-ડીઝલનો ઉપયોગ થાય છે.
જયારે કોન્ટ્રાકટર દ્વારા માત્ર ડ્રાયવર અને લેબર આપવામાં આવે છે તેમ છતાં પ્રતિ શીફટ રૂા.૬ હજાર ચુકવવામાં આવે છે. આ કામ માટે ટેન્ડર જાહેર થાય તો માત્ર રૂા.રપ૦૦ ના ભાવ આવી શકે છે. જયારે ગાડી સાથે વધુમાં વધુ રૂા.૪પ૦૦ના ભાવથી કોન્ટ્રાકટરો કામ કરવા તૈયાર થઈ શકે છે. પરંતુ આ કોન્ટ્રાકટમાં “પરિવારવાદ” હોવાના કારણે ખાતાના ઉચ્ચ અધિકારી તમામ રજુઆત અને આક્ષેપો તરફ કોઈ જ ધ્યાન આપતા નથી તથા તેમની સર્વોપરિતા સાબિત કરી રહયા છે. જયારે ચૂંટાયેલી પાંખ હોંકારા પાડીને સંતોષ માની રહી છે. જેનું મુખ્ય કારણ ટ્રો-મીલ ના નવા ટેન્ડર છે. જેમાં ઘરે બેઠા કમાવવાની અમુલ્ય તક હોવાથી કોરોના બાયો વેસ્ટના કૌભાંડ મામલે આંખ આડા કાન થઈ રહયા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.