Western Times News

Gujarati News

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ યુઝર ચાર્જિસમાં વધારો કરવાની દરખાસ્ત ફગાવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વાર્ષિક ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન પેટે પ્રોપર્ટી ટેક્ષ મારફતે વસૂલાતા યુઝર ચાર્જરમાં વધારો કરવાના  સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલ દરખાસ્તને શાસક પક્ષ દ્વારા મોકૂફ રાખી દરખાસ્ત દફતરે કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તદ્‌પરાંત વિકાસના વિવિધ કામોને પણ મંજુરી આપી હતી.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે શાસકપક્ષ દ્વારા દસ કરતા વધુ વર્ષોથી શહેરની જનતા પર અન્ય કોઈ પણ પ્રકારના વધારાના કરનું ભારણ નાંખવામાં આવેલ નથી, કોરોના કાળના કપરા સમય દરમ્યાન શહેરના રેસ્ટોરન્ટ, હોટલ, સિનેમાઘર, જીમ્નેશિયમોને પ્રોપર્ટી ટેક્ષમાં માફી આપવામાં આવેલ હતી.

ગત વર્ષે ૪૦ ચો.મી.થી ઓછા ક્ષેત્રફળવાળી રહેણાંક મિલકતોને પણ પ્રોપર્ટી ટેક્ષમાં માફી આપવામાં આવેલ હતી. વર્ષ ર૦રર-ર૩માં શહેરની ૭૦ ચો.મી. સુધીના રહેણાંકની તમામ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં રપ ટકા રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવેલ છે અને અ.મ્યુ. કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોના નાગરિકોને પ્રોપર્ટી ટેક્ષના બીલમાં અનુક્રમે પ્રથમ વર્ષે ૭પ ટકા બીજા વર્ષે પ૦ ટકા અને ત્રીજા વર્ષે રપ ટકા મુજબ વળતર આપવાનું નકકી કરેલ છે.

શહેરના રહેણાંક વિસ્તારોમાં હાલમાં ઘેર-ઘેર ર-ડસ્ટબીનનું (ભીના અને સૂકા કચરા માટે) નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહેલ છે. આમ, શહેરીજનો પર વધારાના ટેક્ષનું ભારણ ન આવે તે માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલ દરખાસ્ત દફતરે કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મંજુરી માટે રજુ થયેલ રૂા.ર૬ કરોડથી વધુના વિકાસકામોને મંજુરી આપવામાં આવી છે જેમાં સરસપુર, રખિયાલ તથા અન્ય વોર્ડમાં રૂા.૯પ લાખના ખર્ચ પેવર બ્લોક લગાવવામાં આવશે પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે રૂા.૩.૪૮ કરોડનો ખર્ચ થશે.

જયારે જમાલપુર વોર્ડમાં રૂા.૯૯ લાખના ખર્ચથી પોર્ટ હોલ રીપેરીંગ અને હેવી પેચવર્ક કરવાના કામને મંજુરી આપવામાં આવી છે. કમિટીના જીરો અર્વસ દરમિયાન ટી.પી. રોડ ખુલ્લા કરવા બાબતે સઘન ચર્ચા થઈ હતી તથા નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં લઈ વહેલામાં વહેલી તકે ટી.પી. રોડ ખોલવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.