મ.પ્રદેશ બસ દુર્ઘટના કેસમાં ડ્રાયવરને ૧૯૦ વર્ષની કેદ

ભોપાલ, મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં વર્ષ ૨૦૧૫માં થયેલા હૃદય કંપાવનારા બસ અકસ્માત કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. વિશેષ ન્યાયાધીશે મોટો ચુકાદો આપતાં બસ ડ્રાઈવરને ૧૯૦ વર્ષની જેલની સજા સંભળાવી છે. બસ માલિકને પણ ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે દંડ ફટકારવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૫માં અનૂપ બસ છતરપુરથી પન્ના આવી રહી હતી. ડ્રાઈવરની બેદરકારીના કારણે બસ મડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલ્વર્ટમાં પલટી ગઈ અને આગ લાગી હતી. આ અકસ્માતમાં ૨૧ લોકો દાઝી ગયા હતા. આ અકસ્માત ૪ મે ૨૦૧૫ના રોજ થયો હતો. બસમાં લગભગ ૪૦ લોકો સવાર હતા.
કેટલાક લોકો બસમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. આ મામલે બસના માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. લગભગ છ વર્ષ બાદ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. બસ ડ્રાઈવર મોહમ્મદ શમશુદ્દીનને કલમ ૩૦૪ (૧૯ કાઉન્ટ)માં ૧૦-૧૦ વર્ષની કુલ ૧૯૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે બસના માલિક જ્ઞાનેન્દ્ર પાંડેને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.
વિશેષ ન્યાયાધીશ આરપી સોનકરની કોર્ટમાં સરકાર વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી. આરોપીઓના ગુનાને ગંભીર કેટેગરીના ગણીને મહત્તમ સજા કરવા વિનંતી કરવામાં આવી હતી. જેથી કોર્ટે પોતાના ચૂકાદામાં બસ ડ્રાઈવરને ૧૯૦ વર્ષની તેમજ બસના માલિકે ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.SSS