યમદૂત બનીને ફરતા ડમ્પરોની શહેરભરમાં ભરમારઃસરકારની ઉદાસીનતા
જેસીબી, ક્રેન અને ડમ્પર માટે સસ્તા ડ્રાઈવર શોધતા માલિકોઃ બિનઅનુભવી અને અયોગ્ય લાયકાતવાળા ચાલકો ડ્રાઈવિંગને બદલે કિલીંગમાં અવ્વલ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ; શહેરમાં હાલમાં મોટાભાગના વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. જેના પગલે ખાનગી તથા સરકારી કામોમાં વ્યસ્ત એવા કેટલાંય ડમ્પરો, જેસીબી અને ક્રેન આવા કામોમાં જાતરાયેલા છે. જા કે છેલ્લા કેટલીક ઘટનાઓ પરથી ડમ્પરો રાહદારીઓ અને વાહનચાલકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા હોય એમ લાગી રહ્યુ છે. શહેરમાં સર્જાયેલા અકસ્માતોમાં અને અકસ્માતે થયેલા મૃત્યુમાં જવાબદાર પરિબળ તરીકે ડમ્પરનું પ્રમાણ વધી ગયુ છે.
એક તરફ સરકાર સામાન્ય નાગરીકો માટે ટ્રાફિકના નિયમો કડક બનાવીને મોટા મોટા દંડ વસુલ કરીને રૂપિયા ઉસેડી રહી છે ત્યારે શહેરમાં નિયમોની ઐસીતૈસી કરીને લકઝરી બસો, ટ્રક, ડમ્પર, જેસીબી અને ક્રેન ચાલકો ઘુસી રહ્યા છે. નાના વાહનચાલકોને પરેશાન કરી સિંઘમ બની પોલીસ આવા મોટા વાહન દેખાતા જ આંખ આડા કાન કરી રહી છે. ભારે વાહનો ચલાવવા માટે તેનું લાયસન્સ ઉપરાંત કેટલોક અનુભવ પણ અનિવાર્ય હોય છે.
ત્યારબાદ જ આવા વાહનો ચલાવી શકાય છે. જા કે આવા વાહનચાલકોને મસમોટા પગાર આપવાને બદલે જેસીબી, ક્રેન, અને ડમ્પરના માલિકો રૂપિયા બચાવવા માટે બિનઅનુભવી શખ્સોને આવા વાહનો ચલાવવાના અનુભવનો અભાવ તથા કાબેલિયત ન હોવાને કારણે સમગ્ર શહેરમાં ઠેર ઠેર ફેલાઈ ગયેલા યમદૂત સ્વરૂપ ડમ્પરચાલકો વારંવાર અકસ્માતો સર્જી રહ્યા છે.
ઉડીને આખે વળગે એવી બાબત એ છે કે ડમ્પર દ્વારા થયેલા અકસ્માતો દ્વારા કેટલાંય નાગરીકોના મૃત્યુ થવા છતાં સામાન્ય નાગરીકો આગળ સુરા બનતી સરકાર આવા ભારે વાહનોના ચાલકો અને માલિકો સામે પગલાં લેવામાં ઉદાસીનતા દાખવી રહી હોવાનું પ્રતિત થઈ રહ્યુ છે. બેરોકટોક રીતે શેહેરને ઘમરોળી રહેલા આ યમદૂતો સામે કોઈ નિર્ણાયક પગલાં ન લેતા ક્યાંક કંઈ રંધાઈ રહ્યુ હોવાનું પણ નાગરીકોમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે વગર વાંકે મરતા લોકોને બચાવવા માટે પણ સરકારે આ બાબતે કડક પગલાં લેવા જરૂરી છે. એમ નાગરીકો માની રહ્યા છે.