યસ બેંકના રાણા કપૂરની ધરપકડ
મુંબઈ: મુંબઈની સ્પેશિયલ હોલીડે કોર્ટે યસ બેંકના સ્થાપક રાણા કપૂરને ૧૧મી માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આજે આદેશ આપ્યો હતો. ઇડીએ આજે સવારે રાણા કપૂરની ધરપકડ કરી લીધી હતી. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ સાથે જાડાયેલા મની લોન્ડરિંગના મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવ્યા બાદ રાણા કપૂરને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાણા કપૂરની ગઇકાલે ઉંડી પુછપરછ કરવામાં આવી હતી.
બાલાર્ડ એસ્ટેટ સ્થિત ઇડીની ઓફિસમાં તેમની પુછપરછ ચાલી હતી. તેમની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી ચુકી છે. દેશ છોડીને ફરાર ન થઇ શકે તે માટે તેમની સામે આ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. આ પહેલા ઇડીએ શનિવારના દિવસે વર્લીમાં રાણા કપૂરના સમુદ્ર મહેલ આવાસમાં તેમની તપાસ જારી રાખી હતી. તેમની પુત્રીઓના આવાસ ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલી હતી. તેમની સામે સકંજા દિનપ્રતિદિન સકંજા વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે.
૨૦૧૭માં યસ બેંકે ૬૩૫૫ કરોડ રૂપિયા એપીએ અથવા બેડલોન કેટેગરીમાં મુકી દીધા હતા ત્યારબાદથી બેંક ઉપર આરબીઆઈને શંકા થવાની શરૂઆત થઇ ગઈ હતી. લાંબા સમય સુધી તપાસ ચાલી હતી. સ્થિતિ એ આવી હતી કે, શુક્રવારના દિવસે સાંજે આરબીઆઈએ બેંક ઉપર શ્રેણીબદ્ધ નિયંત્રણો લાદી દીધા હતા જેના પરિણામ સ્વરુપે બેંકના ગ્રાહકોને પરેશાનીઓની શરૂઆત થઇ ગઇ હતી. અફડાતફડી અને દહેશત વચ્ચે મોટી સંખ્યામાં યશ બેંકના ગ્રાહકો યસ બેંકના એટીએમ અને શાખાઓ ઉપર પહોંચ્યા હતા. બેંકના ગ્રાહકોને મહિનામાં ૫૦૦૦૦ રૂપિયાની રકમ ઉપાડવાની મંજુરી આપવમાં આવી છે.
બીજી બાજુ બેંકોને બચાવવા માટે એસબીઆઈ દ્વારા વિશેષ યોજના રજૂ કરી દેવામાં આવી છે. બેંક આમા ૪૯ ટકા હિસ્સેદારી ખરીદી લેવા માટે ઇચ્છુક છે. બેંકનું કહેવું છે કે, તે ૨૪૫૦ કરોડ રૂપિયા બેંકમાં રોકાણ કરીને તેને સંકટમાંથી ઉગારી લેશે. જા કે, બેંકના કર્મચારીઓના પગાર વધારાને લઇને બેંકે આ વર્ષ માટે સાફ ઇન્કાર કરી દીધો છે. યસ બેંકની શાખાઓ ઉપર અફડાતફડીનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. સ્થિતિમાં હાલ કોઇ સુધારો થાય તેવી શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. રાણા કપૂરની મુશ્કેલીમાં પણ હવે હળવી નહીં થાય તેમ માનવામાં આવે છે. તપાસનો દોર ચાલી રહ્યો છે. ૬૦૦ કરોડથી વધુની લાંચના મામલામાં કપૂરની પુછપરછ થઇ ચુકી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસ હજુ જારી રાખવામાં આવે તેવી શક્યતા છે.
ઇડીને શંકા છે કે, ડીએચએફએલ દ્વારા જંગી નાણાની ઉચાપત કરવામાં આવી હતી. ૭૯ ડમી કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. યસ બેંકે ડીએચએફએલ અને અન્ય આરકેડબલ્યુ ડેવલપર્સને ૭૫૦ કરોડ રૂપિયાની લોન આપી હતી જ્યારે તેઓ પેમેન્ટને લઇને ડિફોલ્ટ થયા ત્યારે યસ બેંકે કોઇ પગલા લીધા ન હતા. ઇડીને શંકા છે કે, કપૂર અને તેમની પુત્રીએ જંગી કટકી ડીએચએફએલ પાસેથી મેળવી હતી. ૧૩૦૦૦ કરોડ રૂપિયાની ઉચાપત પૈકી ૪૪૫૦ કરોડ રૂપિયાની રકમ આ હતી.