‘યહ આગ કબ બુઝેગી ?’: નારોલ-પીરાણા વિસ્તાર જીવતા જ્વાળામુખી સમાન
નારોલ, પીપળજ, શાહવાડી, લાંભા, પીરાણામાં બાંધકામ, પ્રદુષણ બોર્ડ, ફાયર વિભાગના નિયમોની ઐસી-તૈસી કરી ધમધમતી ફેકટરીઓ: સુએઝ ફાર્મમાં જ ૩૦૦ ગેરકાયદેસર બાંધકામ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર બુધવાર સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં ૧ર નિર્દોષ નાગરીકોએ જીવ ગુમાવ્યા છે. પીરાણા- પીપળજ રોડ પરની આગ દુર્ઘટનાના પગલે સરકારી બાબુઓ વધુ એક વખત શંકાના દાયરામાં આવી ગયા છે. નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં કેમીકલ ફેકટરીઓ તથા પ્રોસેસ હાઉસ ૬૦૦ કરતા વધુ યુનિટો છે. તેમ છતાં આ વિસ્તારમાં સલામતી અને સાવચેતીના નામે શૂન્ય છે. મોટાભાગની ફેકટરીઓમાં અન અધિકૃત બાંધકામ થયા છે.
ફાયર સેફટી અને પ્રદુષણ નિયંત્રણના નામે શૂન્ય બરાબર છે. જેના પરીણામે દર વરસે આગ અને ગેસ ગળતર જેવી નાની-મોટી પ૦ જેટલી દુર્ઘટનાઓ બને છે. જેમાં નિર્દોષ નાગરીકો જીવ ગુમાવી રહયા છે. પીરાણા-પીપળજ રોડ પરની દુર્ઘટના બાદ રાજય સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યુ છે. તેમજ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા માટે મ્યુનિ. કમિશ્નરને આદેશ આપ્યો છે.
શહેરના નારોલ, પીરાણા અને સુએઝ ફાર્મ વિસ્તાર જીવતા દોઝખ સમાન બની રહયો છે. આ વિસ્તારમાં જીવતા જ્વાળામુખી જેવી પરિસ્થિતિ છે. ઈસનપુર મોની હોટેલ તથા તેની આસપાસના વિસ્તારથી પીરાણા ડમ્પ સાઈટ થઈ લાંભા સુધીના ત્રિકોણ વિસ્તારમાં ૧પ૦થી વધુ કેમીકલ પ્રોસેસ યુનિટ ધમધમી રહયા છે. આ તમામ યુનિટ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઐસી-તૈસી કરી રહયા છે સ્થાનીકોના આક્ષેપ મુજબ જી.પી.સી.બી. ના અધિકારીઓ અને ફેકટરી માલિકો વચ્ચે ગોઠવણ થઈ હોવાથી પ્રદૂષણ નિયમોના શૂન્ય બરાબર છે. ફેકટરીના માલિકો ડ્રેનેજ લાઈન અને ખારીકટ સબ કેનાલમાં કેમીકલયુક્ત પાણી છોડી રહયા છે. થોડા સમય પહેલા પીરાણા ડમ્પ સાઈટ તરફના રોડ પર ખુલ્લા મેદાનમાં પણ એસિડિક અને કેમીકલયુક્ત પાણીની ટેન્કરો ખાલી થતી હોવાની પણ વિગતો બહાર આવી હતી.
નારોલથી પીપળજ વિસ્તારમાં ર૦૦ કરતા વધારે પ્રોસેસ હાઉસ કાર્યરત છે. આ ટેક્ષટાઈલ યુનિટો પૈકી મોટાભાગના યુનિટોમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે. તેવી જ રીતે સુએઝ ફાર્મ વિસ્તારમાં ૩૦૦ જેટલા યુનિટ ચાલી રહયા છે. દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તમામ ૩૦૦ યુનિટોને નોટિસો આપવામાં આવી છે. પરંતુ એક પણ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યુ નથી. ઉપરોક્ત માહિતી આપતા સ્થાનિક કોંગી આગેવાની રાજેશ સોનીએ વધુમાં જણાવ્યુ હતુ કે સુએઝ ફાર્મની ત્રણ હજાર એકર જમીન પર પ્લોટીંગ કરીને વેચાણ થાય છે. ડમ્પ સાઈટના કારણે બાંધકામ થઈ શકે તેમ નથી.
પરંતુ દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગના અધિકારીઓ “વહીવટ” લઈને બાંધકામ પુર્ણ કરાવી રહયા છે. નારોલ, શાહવાડી, પીરાણા, ગ્યાસપુર, પીપળજ વિસ્તારમાં દર વરસે આગના બનાવો બની રહયા છે. જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહયા છે. ચાર-પાંચ દિવસ અગાઉ જીંદાલ ટેક્ષટાઈલમાં આગ લાગી હતી જેમાં જે શેડ બળીને ખાક થયો હતો તે શેડનું બાંધકામ પણ ગેરકાયદેસર હતું. ચોંકાવનારી બાબત એ છે કે મોટાભાગની ફેકટરીઓના બાંધકામ મ્યુનિ. રીઝર્વ પ્લોટ પર થયા છે.
ટી.પી. પપ અને પ૬ માં અંદાજે બે લાખ ચોરસ મીટર રીઝર્વ જમીન પર આ પ્રકારના દબાણ છે જેનો કબજાે લેવાના બદલે દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. આ વિસ્તારના નાગરિકોની સુરક્ષા માટે હેલ્થ, એસ્ટેટ અને અન્ય વિભાગો તાકિદે કામગીરી કરે તે માટે મ્યુનિ. કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
નારોલ અને તેની આસપાસના ત્રણ કિલોમીટર વિસ્તારની ત્રિજયામાં સેંકડો ફેકટરીઓ ધમધમી રહી છે. જે પૈકી આંગળીના વેઢે ગણી શકાય તેટલી ફેકટરીઓમાં જ ફાયર એનઓસી છે. ચીફ ફાયર ઓફીસર દસ્તૂરના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દર વરસે રપ થી ૩૦ જેટલા આગના બનાવો બને છે. તેમ છતાં ૯૦ ટકા ફેકટરીઓમાં ફાયર એનઓસી નથી. અમદાવાદ શહેરમાં ૧૮ હજાર કરતા વધુ ઔદ્યોગિક એકમો છે.
જે પૈકી માત્ર ૧૦૮પ યુનિટમાં જ ફાયર એનઓસી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં આગ અને ગેસ ગળતરના કારણે દર વરસે નિર્દોષ નાગરીકો જીવ ગુમાવી રહયા છે. પીરાણા-પીપળજ રોડ પર આવેલી નંદન ડેનિમમાં ગત્ ફેબ્રુઆરી મહીનામાં આગ લાગી હતી જેમાં પાંચ મજુરોએ જીવ ગુમાવ્યા હતા. ઓઢવ ફાયર ઓફીસની સામે લોટ્સ લેબલ ઈન્ડ. માં પણ ફેબ્રુઆરી-ર૦માં આગનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ કારીગરોના ગુંગળામણના કારણે મૃત્યુ થયા હતા.
પીરાણા-પીપળજ રોડ પર લાગેલી આગના બનાવ બાદ રાજય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશ્નરને આદેશ કરવામાં આવ્યો છે. રાજયના એડી. ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ કમિશ્નરને પત્ર લખી આ વિસ્તારના બાંધકામોની કાયદેસરતા ચકાસવા તથા અનઅધિકૃત બાંધકામ દુર કરવા સુચન કર્યુ છે. એડી. ચીફ સેક્રેટરીએ શહેર પોલીસ કમિશ્નર તથા જી.પી.સી.બી. ચેરમેનને પણ તાકીદે કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે.
આપણા તંત્રમાં “આગ લાગ્યા બાદ કુવો ખોદવાની” પરંપરા છે. જેના કારણે જ આ પ્રકારની હોનારતો થઈ રહી છે. સરકારી બાબુઓ દુર્ઘટનાઓ બાદ ફાઈલો પર કામ કરે છે. પરંતુ નક્કર પરીણામ મળતા નથી. જેના કારણે જ નાગરિકો પૂછી રહયા છે. “એ આગ કબ બુઝેગી”?