યાત્રી ઘટતાં અ’વાદથી આઠ ફ્લાઈટ બંધ કરવાનો ર્નિણય
નવી દિલ્હી: કોરોનાના કહેરએ તમામ વેપાર-ધંધા પર વિપરીત અસર કરી છે. તેમાં એરલાઈન્સ બિઝનેસ પણ બાકી નથી રહ્યો. સતત લોકડાઉન અને ડીજીસીએ દ્વારા લગાવવામાં આવતા પ્રતિબંધને કારણે ટૂરીઝમ બિઝનેસ લગભગ ઠપ્પ થઇ ચૂક્યો છે. મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થતા, બધી જ એરલાઈન્સ નુકસાન વેઠી રહી છે.
ડિરેક્ટરેટ જનરલ ઓફ એવિએશન એ બધી જ એરલાઈન્સ કંપનીને તેમની ૮૦ % ફલાઈટ જ ઓપરેટ કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ઉડાન લેતી ૮ ફલાઈટને બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઈન્ડિગો એરલાઈન્સની નાગપુર, ઈન્દોર અને ઔરંગાબાદ જતી ફલાઈટ બંધ થશે. આ ઉપરાંત, એર એશિયાએ અમદાવાદથી ચેન્નઈ જતી ફ્લાઈટ બંધ કરી છે. કિશનગઢ જતી ડાયરેક્ટ ફ્લાઈટ પણ છેલ્લા કેટલાક દિવસથી ઓપરેટ થઈ નથી. ગો એર પણ ગોવા માટે ની ડાયરેક્ટ ફલાઈટ બંધ કરી ચૂક્યું છે.
મુસાફરોની સંખ્યા ઘટતા ઘણી બધી ડોમેસ્ટિક ફલાઈટ બંધ કરવાની ફરજ પડી છે. પૂરતા પેસેન્જર ન મળવાના કારણે ઘણી શિડ્યુલ ફલાઈટ્સ પણ કેન્સલ થઇ રહી છે. અમદાવાદ એરપોર્ટ પરનો રનવે રિ-સરફેસ કરવાનો હોવાથી, ૨૦ થી ૩૦ એપ્રિલ વચ્ચે અમદાવાદથી જતી અને આવતી અનેક ફલાઈટના શિડ્યુલ બદલાશે. સવારે ૧૦ થી ૫ દરમિયાન રન વે પર કામગીરી ચાલુ હોવાના કારણે અનેક ફલાઈટ કેન્સલ થવાની પણ શક્યતા છે.