Western Times News

Gujarati News

“યાર ખબર નહીં, પણ હું ડિપ્રેશનમાં આવી જાઉં છું”

ફાઈલ ફોટો

આપણાં જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બને છે જે આપે ક્યારેય વિચારી કે કલ્પી પણ ના હોય. ઘણીવાર એવી જગ્યાએ આપણે ઉભા રહી જઈએ છીએ કે આપણે ક્યારેય એનો વિચાર પણ ના કર્યો હોય. એ પરિસ્થિતિ કે ઘટના સારી પણ હોય અને ખરાબ પણ હોય. સારી ઘટના હોય જેનાથી આપણે ખુશ થઈએ છીએ. પણ જાે વિચાર્યું જ ના હોય અને એવી ખરાબ ઘટના થાય તો વ્યકિત ડિપ્રેશ થઈ જાય છે. વ્યક્તિ ડિપ્રેશનમાં આવે ત્યારે છે જયારે તેની માનસિક પરિસ્થિતિ સારી ના હોય. ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન લાગણી સાથે જાેડાયેલું છે. વધારે પડતી મહત્વકાંક્ષા અને અપેક્ષા પણ ડિપ્રેશન તરફ લઈ જાય છે. ખૂબ ખુશી હોય ત્યારે વ્યક્તિ તરત જ રિએક્ટ કરે છે અને દુઃખ હોય ત્યારે તરત જ નર્વસ થઈ જાય એનો અર્થ એ છે કે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખૂબજ લાગણીશીલ છે. પણ દરેક પરિસ્થિતિમાં નોર્મલ રહેવું બધાં માટે શક્ય નથી હોતું.

એક સાવ સાચી વાત છે. એક છોકરીને એનાં પ્રેમી સાથેનો રિલેશન બ્રેક અપ થઈ ગયો. છોકરી ખૂબજ ડિપ્રેશનમાં આવી ગઈ. એને થયું કે હવે એની જીંદગીમાં કંઈ રહ્યું જ નથી આખો દિવસ ઉદાસ બેસી રહે અને પ્રેમીનાં ફોટા જાેયા કરે. ક્યાંક ને ક્યાંક એ પોતે પોતાની જાતને નફરત કરવા લાગી.

ત્યારે તેની ફ્રેન્ડે કહ્યું, “યાર, તં આ શું કરે છે ? કોઈ પણ વ્યક્તિનું આપણી જીંદગીમાં જવાથી જીંદગી પૂરી નથી થઈ જતી. તું એમ વિચાર જે થયું એ સારું થયું. જાે હજી એ વધારે સમય તારી જીંદગીમાં રહ્યો હોત તો અને પછી બ્રેક અપ થયું હોત તો ! એવું સમજ કે થોડા સમય માટે એ તારી જીંદગીમાં આવ્યો હતો. બસ ક્યાંક એટલું જ તમારા બંનેના નસીબમાં હશે.” એટલે હવે તું એને ભૂલી જા અને તારી જીંદગીની નવી શરૂઆત કર..

ઘણીવાર આપણે આપણાં કરતાં બીજી વ્યક્તિને એટલું બધું મહત્વ આપી દેતા હોઈએ છીએ કે આપણે પોતે આપણી જાતને ડિપ્રેશનમાં નાંખી દઈએ છીએ. બીજાને મહત્વ આપવું સારી વાત છે પણ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવો પણ જરૂરી છે. ઘણીવાર વ્યક્તિ પાસે બધું જ હોવા છતાં દુઃખી રહે છે. ડિપ્રેશનમાં રહે છે. માણસ પાસે જે સુખ છે એમાં એને સુખી રહેતાં આવડવું જાેઈએ. કોઈ બીજી વ્યક્તિ કે કોઈ વસ્તુના લીધે માનસિક પરિસ્થિતિ એટલી પણ ના બગડવી જાેઈએ કે ડિપ્રેશન આવી જાય.

“નથીંગ ઈઝ પરમેનન્ટ”
“આ સમય પણ વીતી જશે”

એક પતિ-પત્ની હતાં. પતિ સારી કંપનીમાં ઊંચી પોસ્ટ ઉપર હતો. અચાનક કોઈ કારણસર એની જાેબ છૂટી ગઈ એટલે પતિ ડિપ્રેશનમાં આવી ગયો. એટલે તેની પત્નીએ કહ્યું. “આમાં ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. તમે પ્રયત્ન કરો. તમને ચોક્કસ સારી જાેબ મળી જશે.”

ઘણીવાર ખરાબ સમયમાં કોઈના દ્વારા કહેવાયેલા સારા શબ્દો- સાચી સલાહ પણ જીવન જીવવાની પ્રેરણા આપે છે. જરૂરી નથી કે દરેક વખતે રૂપિયાથી જ દરેકને મદદ કરી શકાય. ફકત તૂટી ગયેલા એ વ્યક્તિને એના ખરાબ સમયમાં હિંમત અને સાચી સલાહ આપી પણ તેને મદદ કરી શકાય છે.

બે મિત્ર હતા. એક મિત્ર ડિપ્રેશનમાં આવી ગયો હતો. એટલે તેનો બીજાે મિત્ર તેના મિત્રની દરેક વાતને ધ્યાનથી સાંભળે. ખૂબજ લાગણીથી પોઝીટીવીટી સાથે એની સાથે વાત કરે અને જરૂર હોય ત્યારે એને સાચી સલાહ અને હિંમત આપે.

એટલે પેલા મિત્રએ કહ્યું, “યાર તારી સાથે વાત કરી લઉં છું ને તો મને સારું લાગે છે. હવે હું ડિપ્રેશનમાંથી બહાર પણ આવી ગયો છું. દોસ્ત તારો ખૂબ ખૂબ આભાર” જીવનમાં એવા મિત્રો પણ રાખવા જ્યાં તમે દિલ ખોલીને વાત કરી શકો અને જયાં તમને સાચી સલાહ મળે.એટલે જ જાે ડિપ્રેશનમાં આવવું ના હોય તો પરિવાર- મિત્રો સાથે કનેકટેડ રહો. કારણ કે માણસ ક્યાંક ને ક્યાંક તો લાગણીશીલ છે જ. લાગણીથી જાેડાયેલો જ છે.

ક્યારેક લાગણીઓનો અતિરેક- મહત્વ કાંક્ષા અને વધારે પડતી અપેક્ષા પણ ડિપ્રેશનમાં લઈ જાય છે. આ બધાને આપણા પર એટલા બધા પણ હાવી ના થવા દેવી જાેઈએ કે ડિપ્રેશનમાં આવી જવાય.

છેલ્લે… સંજાેગોની સાથે જીંદગી જીવતા આવડી જાય તો ક્યારેય જીંદગી દુઃખી ના લાગે.

– પંકિતા જી. શાહ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.