યાસીન મલિકને ટેરર ફંડિગ કેસમાં આજીવન કેદની સજા

નવી દિલ્હી, કાશ્મીરી અલગતાવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આઈપીસીની ૧૨૧ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. યાસીન મલિકને યુએપીએની કલમ ૧૮ હેઠળ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. યાસીન મલિકના તમામ સજા એકસાથે ચાલશે. જાે કે એનઆઈએ દ્વારા ફાંસીની માગણી કરવામાં આવી હતી.
દરમિયાન શ્રીનગરના મૈસુમામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. યાસીન મલિકના સમર્થકો સુરક્ષા દળો પર પથ્થરમારો કરી રહ્યા છે. શ્રીનગરમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા મલિકે આતંકવાદી ભંડોળના કેસમાં તમામ આરોપો સ્વીકાર્યા હતા, જેમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળના આરોપોનો સમાવેશ થાય છે. દરમિયાન, કેસની તપાસ કરી રહેલી એનઆઈએએ યાસીન મલિકને ફાંસીની સજાની માગ કરી હતી.
દિલ્હીની વિશેષ એનઆઈએ કોર્ટે ૧૯ મેના રોજ આ કેસમાં યાસીનને દોષિત ઠેરવ્યો હતો. સુનાવણી દરમિયાન મીડિયાકર્મીઓને પણ કોર્ટમાં પ્રવેશની મંજૂરી નહોતી અપાઈ. સાથે જ કોર્ટની બહાર સુરક્ષા મામલે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
અગાઉ ૧૯ મેના રોજ વિશેષ કોર્ટે યાસીન મલિકને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે એનઆઈએ અધિકારીઓને દંડની રકમ નક્કી કરવા માટે મલિકની નાણાકીય સ્થિતિની આકારણી કરવા માટે નિર્દેશ આપ્યો હતો.
આ સાથે જ મલિકને પોતાની સંપત્તિ અંગેનું સોગંદનામુ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મલિકે યુએપીએ અંતર્ગત લગાવવામાં આવેલા આરોપો સહિતના પોતાના પર લાગેલા તમામ આરોપોનો સ્વીકાર કર્યો હતો.
આ આરોપોમાં યુએપીએની કલમ ૧૬ (આતંકવાદી કૃત્ય), ૧૭ (આતંકવાદી કૃત્યો માટે ધન એકત્રિત કરવું), ૧૮ (આતંકવાદી કૃત્યનું ષડયંત્ર) અને કલમ ૨૦ (આતંકવાદી ટોળકી કે સંગઠનનું સદસ્ય હોવું) તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૨૦-બી (ગુનાહીત ષડયંત્ર) અને ૧૨૪-એ (રાજદ્રોહ)નો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ યાસીન મલિક મામલે કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. મુફ્તીએ જણાવ્યું કે, ભાજપ મુસલમાનોને કચડી રહી છે. આ સાથે જ મુફ્તીએ પાકિસ્તાનના ન્યાયતંત્રને ભારત કરતાં સારૂં ગણાવ્યું હતું.
યાસીન મલિકની બહેન શ્રીનગરમાં મૈસુમાના ઘરે કુરાનનો પાઠ કરી રહી હતી. યાસીન મલિકની બહેન ઘરની બારી પાસે ઉભી કુરાન વાંચી રહી હતી.યાસીન મલિકને સજા સંભળાવવામાં આવે તે પહેલા શ્રીનગરમાં તેના ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા.
પોલીસ પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો હતો. મહિલાઓ પણ સૂત્રોચ્ચાર કરી રહી હતી. યાસીન મલિકના ઘરની બહાર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. શ્રીનગરમાં અનેક બજારો બંધ છે.
યાસીન મલિકને કોર્ટના લોક અપમાં રાખવામાં આવ્યો હતો. યાસીન પટિયાલા હાઉસ કોર્ટની કસ્ટડીમાં છે. કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ કોર્ટમાં પહોંચી કોર્ટ પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી હતી.
પટિયાલા હાઉસ સ્પેશિયલ એનઆઈએ કોર્ટ યાસીન મલિકની સજા પર ચુકાદો સંભળાવ્યો. તેને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. બપોરે કોર્ટે સજા અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ટેરર ફંડિંગ કેસમાં દોષિત અલગતાવાદી નેતા યાસિન મલિકની સજા અંગે કોર્ટના ચુકાદા પહેલા બુધવારે શ્રીનગરના ભાગો બંધ રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લાલ ચોક સહિત મૈસુમા અને આસપાસના વિસ્તારોમાં મોટાભાગની દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂના શહેરના કેટલાક વિસ્તારોમાં દુકાનો પણ બંધ રહી હતી, પરંતુ જાહેર પરિવહન સામાન્ય રહ્યું હતું.
તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને ટાળવા માટે શહેરમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએએ ટેરર ફંડિંગ અને યુએપીએ સાથે જાેડાયેલા આ કેસમાં યાસીન મલિકને ફાંસીની સજાની માગ કરી હતી. કોર્ટમાં બચાવ અને ફરિયાદ પક્ષે ચર્ચા થઈ હતી.
યાસીનના વકીલ ફરહાનનું કહેવું છે કે કોર્ટરૂમમાં યાસીને કહ્યું કે તે સજા વિશે વાત નહીં કરે અને કોર્ટ ખુલ્લેઆમ સજા આપી શકે છે. જ્યારે એનઆઈએએ યાસીન માટે ફાંસીની સજાની માગ કરી ત્યારે તે લગભગ ૧૦ મિનિટ સુધી મૌન રહ્યો.
યાસીને કોર્ટમાં એ પણ જણાવ્યું કે જ્યારે પણ તેને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે આત્મસમર્પણ કર્યું. કોર્ટને જે યોગ્ય લાગે તે કરવા તે તૈયાર છે.SS2KP