યાસ્મીન વાનખેડેએ એનસીપીના નેતા નવાબ મલિક સામે માનહાનિનો દાવો માંડયો
મુંબઇ, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડેએ એનસીપીના નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી નવાબ મલિક સામે અંધેરીની મેજીસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિનો દાવો માંડયો છે. મલિક સોશિયલ મિડીયામાં ખોટા અને પાયાવિહોણા આરોપ કરી, ખોટી પોસ્ટ દ્વારા તેમની બદનામ કરવાનો પ્રયાસલ કર્યો હોવાનો આરોપ યાસ્મીને કર્યો છે. દરમ્યાન, આ પહેલા પણ વાનખેડે કુટુંબીઓએ નવાબ મલિક સામે અલગ- અલગ માનહાનિનો દાવો કર્યો છે.
યાસ્મીને તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તે ઘણા એનજીઓ સામે સંકળાયેલી છે અને ગરીબો માટે કામ કરે છે. તે ચિત્રપટ સેનાની પદાધિકારી છે અને મરાઠી ફિલ્મમાં કામ કરતા કલાકારો તેમની રોજંદારી કામદારોના વિવિધ પ્રશ્નો અને સમસ્યા છોડાવવાનું કામ કરે છે.
તેમની સામે દરરોજ થઈ રહેલ ખોટા અને પાયાવિહોણા આરોપોને લીધે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે. તેમજ લોકો તેમના વિશે નકામી ચર્ચા કરતા જાેવા મળી રહ્યા છે. સમીર વાનખેડેએ મલિકના જમાઈ સામે કાર્યવાહી કરતા મલિક તેનો બદલો લઈ રહ્યા છે. તેમના પરિવારજનો સામે સતત ખોટા અને પાયાવિહોણા આરોપ કરી રહ્યા છે.
આ સિવાય મલિકે એવો કથિત આરોપ કર્યો હતો કે યાસ્મીન, ફલેચર પટેલ સાથે જાેડાયેલ હોઈ આ લોકો બોલીવુડમાં ખોટું કામ કરી રહ્યા છે. તદુપરાંત મલિકે યાસ્મીનનો ઉલ્લેખ લેડી ડોન તરીકે પણ કર્યો હતો. મલિક જાણી જાેઈને આવા પાયા વગરના આરોપો કરી એનસીબીની તપાસમાં બાધા લાવવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ પણ અરજીમાં કરવામાં આવ્યો છે.
આ પહેલા મલિકે વાનખેડે અને તેના પિતાની જાતિના પ્રમાણપત્ર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ પ્રકરણે વાનખેડેના પિતા જ્ઞાાનદેવ વાનખેડેએ હાઈકોર્ટમાં આ પ્રકરણે માનહાનિનો દાવો માંડયો છે.HS