યુએનમાં રશિયાના પ્રસ્તાવ પર ભારત વોટિંગથી દૂર રહ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/UN1-1024x576.webp)
જિનેવા, યૂએન સિક્યોરિટી કાઉન્સિલ(યુએનએસસી)માં યુક્રેનમાં માનવતાવાદી સંકટ પર રશિયાના પ્રસ્તાવ પર ભારત વોટિંગથી દૂર રહ્યું હતું. મહત્વની વાત એ છે કે, યુક્રેન અને રશિયા યુદ્ધ મુદ્દે ભારતે પોતાની તટસ્થતા જાળવી રાખી હતી. આ જ કારણ છે કે, આ અગાઉ પણ ભારત યુએનમાં યુક્રેન મુદ્દે રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોના પ્રસ્તાવ પર દૂર રહ્યું હતું.
ભારત સહિત કુલ ૧૩ દેશોએ રશિયાના પ્રસ્તાવ પર વોટિંગમાં ભાગ નથી લીધો. રશિયાએ આ પ્રસ્તાવને સીરીયા, ઉત્તર કોરિયા અને બેલારુસના સમર્થનથી રજૂ કર્યું હતું. પરંતુ તે પાસ નહીં થઈ શક્યું કારણ કે, તેને પાસ થવા માટે ૯ વોટની જરૂર હતી.
રશિયા અને ચીને આ પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યું હતું તો બીજી તરફ ભારત અને સિક્યોરિટી કાઉન્સિલના બાકી સદસ્યોએ વોટિંગમાં ભાગ નહોતો લીધો. યુએનના કાયમી સભ્ય રશિયાએ ૧૫ સભ્યોની કાઉન્સિલમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવમાં રશિયાએ મહિલાઓ, બાળકો અને માનવીય કર્મચારીઓ સહીત બધા નાગરિકોને સુરક્ષિત કરવા, રશિયા અને યુક્રેન વચ્ચે રાજકીય સંવાદ, મધ્યસ્થતા અને શાંતિપૂર્ણ માધ્યમોથી સમાધાન કરવાની અપીલ કરી હતી.
બીજી તરફ વોટિંગ બાદ સભ્ય દેશોએ નિવેદન પણ આપ્યા હતા પરંતુ ભારતે કોઈ નિવેદન નહોતું આપ્યું. આ અગાઉ ભારત બે વખત સિક્યોરિટી કાઉન્સિલમાં વોટિંગમાં ભાગ લેવા માટે ઈનકાર કરી ચૂક્યું છે. ભારતે જનરલ એસેમ્બલીમાં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવ પર પણ વોટિંગ નહોતું કર્યું.SSS