યુએન સુરક્ષા પરિષદમાં આન-બાન-શાનથી તિરંગો લહેરાયો
ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ સોમવારે ૪ જાન્યુઆરીથી શરૂ થઈ ગયો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લગાવવામાં આવ્યો. ભારતના ઝંડા સાથે જ ચાર અન્ય અસ્થાયી સભ્યોના પણ રાષ્ટ્રીય ધ્વજ પણ પહેલા અધિકૃત કાર્યદિવસ પર વિશેષ સમારોહ દરમિયાન લગાવવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ તિરુમૂર્તિએ યુએનએસસીમાં તિરંગો લગાવ્યો અને સમારોહમાં સંક્ષિપ્ત ભાષણ પણ આપ્યું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતે આજે આઠમી વાર સુરક્ષા પરિષદની સદસ્યતા ગ્રહણ કરી છે.
મારા માટે ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે ધ્વજ સ્થાપના સમારોહમાં ભાગ લેવો એ સન્માનની વાત છે. સમારોહમાં બોલતા ટી.એસ.તિરુમૂર્તિએ કહ્યું કે ભારત વિકાસશીલ દેશો માટે એક અવાજ બનશે. આ સાથે જ આતંકવાદ જેવા માનવતાના દુશ્મનો વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવતા પણ કતરાશે નહીં. તેમણે કહ્યું કે ભારત, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના કાર્યકાળનો ઉપયોગ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા મામલા માટે માનવકેન્દ્રિત અને સમાવેશી સમાધાન લાવવા માટે કરશે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સાથે સાથે નોર્વે, કેન્યા, આયરલેન્ડ અને મેક્સિકોના પણ રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યા. આ દેશો પણ યુએનએસસીમાં અસ્થાયી સભ્ય બન્યા છે. આ તમામ દેશ અસ્થાયી સભ્યો ઈસ્ટોનિયા, નાઈજર, સેન્ટ વિન્સેન્ટ, અને ગ્રેનાડા, ટ્યૂનિશિયા, વિયેતનામ તથા પાંચ સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા સાથે આ પરિષદનો ભાગ રહેશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૬ પ્રમુખ ભાગોમાંથી એક છે.