યુએસની ચાય પાનીને શ્રેષ્ઠ રેસ્ટોરાંનો ખિતાબ અપાયો
વોશિંગ્ટન, ખાટી-મીઠી ચટણીઓ, ક્રિસ્પી પુરી-પાપડીથી બનતી ચાટ અમેરિકનોને દાઢે વળગી છે. ગત અઠવાડિયે જેમ્સ બીયર્ડ ફાઉન્ડેશન અવોર્ડ્સ યોજાયા હતા જેમાં નોર્થ કેરોલિનાના એશવિલેમાં આવેલી ચાય પાનીને યુએસની શ્રેષ્ઠ રેસ્ટોરાંનો ખિતાબ આપવામાં આવ્યો છે. ચાટ અને ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ પીરસતી આ રેસ્ટોરાંના સ્વાદે અમેરિકાના લોકોને આંગળા ચાટતા કરી દીધા છે.
લગભગ છેલ્લા દશકાથી ઢોંસા ડિનર, બુફે અને ચિકન ટિક્કા મસાલાનું પ્રભુત્વ અથવા ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોની મોંઘી ભારતીય રેસ્ટોરાંમાં છેલ્લા થોડા વર્ષોથી મળતાં મોડર્ન ઈન્ડિયન ફૂડની સ્ટીરિયોટાઈપને ચટપટી ચાટે તોડી છે.
૨૦૦૯માં મેહરવાન ઈરાની દ્વારા આ રેસ્ટોરાંની શરૂઆત થઈ હતી. મેહરવાન ઈરાનીએ શરૂઆત કરી ત્યારે તેઓ સેલ્સ પ્રોફેશનલ હતા. તેઓ તાલીમબદ્ધ શેફ નથી તેમજ રેસ્ટોરાં બિઝનેસનો કોઈ અનુભવ પણ નહોતો છતાં ચાય પાનીનું મેન્યૂ ઘણાં ભારતીયોને પણ નવાઈ પમાડી રહ્યું છે.
ભેળપુરીથી લઈને શકરકંદી ચાટ, આલુ ટિક્કીથી લઈ પકોડા અને ભાજીપાઉં જેવી વાનગીઓ જે ભારતમાં તમને દરેક ચાટવાળા કે નાની લારીઓમાં મળી રહેશે તે તેઓ બનાવે છે. અહીં તેઓ ભોજનપ્રેમીઓને આકર્ષે તેવી રીતે સજાવીને પણ નથી આપતા. તો પછી ભારતના આમ આદમીને ભાવતી વાનગીઓ વેચતી રેસ્ટોરાં યુએસની સૌથી વધુ ચર્ચાતી જગ્યા કઈ રીતે બની ગઈ?
ચાય પાનીની સફળતામાં સૌથી પહેલા નજરે ચડતી બાબત એ છે કે, મહામારી પછી યુએસ (વિશ્વભરમાં પણ)માં લોકો કમ્ફર્ટ ફૂડ તરફ વળ્યા છે. હવે લોકોમાં અને ખાસ કરીને યંગ જનરેશનમાં શેફે તૈયાર કરેલી સ્પેશિયલ વાનગી કરતાં સ્વાદ અને વિવિધ ફ્લેવર્સથી ભરપૂર હોય તેવી વાનગી વધુ પસંદ કરવામાં આવે છે.
ચાટમાં ફ્લેવર અને વિવિધ ટેક્શ્ચર સરળતાથી મળી રહે છે. ભૂતકાળમાં એવું થતું હતું કે, શેફને ભારતીય ફૂડ બનાવતી વખતે તીખાશ ઓછી કરવી પડતી અને વેસ્ટર્ન ટેસ્ટને અનુરૂપ હોય તે રીતે વાનગી તૈયાર કરવી પડતી. પરંતુ હવે આજની પેઢી ‘ઓથેન્ટિક’ સ્વાદને માણવા માગે છે અને એટલે જ તીખી અને ચટાકેદાર વાનગીઓ મન ભરીને ખાય છે.
જાણીતા અમેરિકન ફૂડ ક્રિટિક અને સાઉથ કેરોલિનામાં રહેતા હેના રસ્કિનનું કહેવું છે કે, ચાય પાનીની સફળતા પાછળનું કારણ છે કે તેમાં મળતું ફૂડ તૈયાર કરવું અને ખાવું બંને સરળ છે. ઉપરાંત તેની ફ્લેવર્સ પણ એકદમ પર્ફેક્ટ છે. ન્યૂયોર્કમાં આવેલી બાર બાર રેસ્ટોરાંના શેફ સૂજન સરકારનું પણ કહેવું છે કે, સ્ટ્રીટ ફૂડની વાનગીઓની સામગ્રીને સરળતાથી મિક્સ કરી શકાય છે, અગાઉથી તૈયારી કરી શકાય છે અને ડિલિવરી પણ સરળ છે.
ખાસ કરીને મહામારી પછી રેસ્ટોરાંઓ તેમાં આવતાં ગ્રાહકો ઉપરાંત હોમ ડિલિવરી કે ટેકઆઉટ ઓર્ડર પર પણ ર્નિભર છે, એવામાં આ વાનગીઓની ડિલિવરી સરળતાથી કરી શકાય છે. જાેકે, ચાય પાનીની સફળતા પાછળ માત્ર સુલભતા જ જવાબદાર નથી.
હેના રસ્કિને કહ્યું તેમ, અમેરિકનોનો સરેરાશ સ્વાદ પણ બદલાઈ રહ્યો છે. ચાય પાનીના માલિક મેહરવાન ઈરાની પણ સ્વીકારે છે કે, ‘અમેરિકાના લોકોને હવે ખબર પડી રહી છે કે ભારતીય વાનગીઓ માત્ર તીખા અને મસાલેદાર પૂરતી સીમિત નથી પણ વૈવિધ્યસભર છે.
એકવાર તેમણે ચાટ ચાખી પછી તેઓ તેનો સ્વાદ ભૂલાવી નથી શક્યા.’ મેહરવાન ઈરાની ચાટને ‘લોકોને ભાવતું, સમાનતા આપતું, સરળતાથી મળતું, પોસાય તેવું અને પેન-ઈન્ડિયા ફૂડ’ માને છે. છેલ્લા બે વર્ષોમાં ચાટની કેટેગરી કેટલીય નાની રેસ્ટોરાં પણ ઉમેરવામાં આવી છે.
નેશવિલમાં રહેતા ટીવી સેલિબ્રિટી શેફ મનીત ચૌહાણ તેમની ચાટ અને તીખી વાનગીઓ માટે પ્રખ્યાત છે. નેશવિલમાં આવેલી તેમની પ્રખ્યાત રેસ્ટોરાં ચૌહાણ એલે એન્ડ મસાલા હાઉસ તેમજ ચાટેબલ ચાટને સમર્પિત છે. ૨૦૨૦માં તેમણે ‘ચાટઃ રેસિપીઝ ફ્રોમ કિચન, માર્કેટ્સ એન્ડ રેલવેઝ ઓફ ઈન્ડિયા’ નામનું પુસ્તક પણ બહાર પાડ્યું હતું. આ પુસ્તકને મેઈનસ્ટ્રીમ પબ્લિકેશન્સમાં સારા રિવ્યૂ મળ્યા હતા.
ભારતની ઓછી જાણીતી પ્રાદેશિક વાનગીઓ પણ અહીં આરોગવામાં આવે છે. ન્યૂયોર્કની જાણીતી રેસ્ટોરાં ધમાકાના એક્ઝિક્યુટિવ શેફ ચિંતન પંડ્યાને ગત અઠવાડિયે જ બેસ્ટ શેફ તરીકે જેમ્સ બીયર્ડ અવોર્ડ મળ્યો છે. આ રેસ્ટોરાં ૨૦૨૧માં ખુલી હતી અને અહીં ‘નોન-ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડલી’ વાનગીઓ પીરસવામાં આવે છે.
આ એવી વાનગીઓ છે જેની માહિતી ભારતમાં ટ્રાવેલ કરતી વખતે નાના ગામડાં અને ઘરો તેમજ ગલીઓમાં ફરતી વખતે ચિંતન પંડ્યાને મળી હતી. જાેકે, આ રેસ્ટોરાંની સૌથી પ્રખ્યાત ડિશ છે ખાડ ખરગોશ એટલે કે આખું સસલું. આ એક જૂના જમાનાની રાજપૂત વાનગી છે. ૪૮ કલાક પહેલા સસલાનો ઓર્ડર આપવો પડે છે અને રોજ સાંજે માત્ર એક જ પીરસાય છે.
આ વાનગી સાથે દાળ, બ્રેડ, ભાત અને બટાકા ફેમિલી સ્ટાઈલ ભોજન તરીકે પીરસાય છે. ચિંતન પંડ્યાએ કહ્યું હતું કે, ભારતીય વાનગીઓના સ્વાદમાં અમેરિકાના લોકોને ભાવે તે પ્રકારના ફેરફાર કરવાને બદલે તેઓ ભારતીય ફૂડને સરળતાથી પીરસવામાં માને છે.
શેફ ચિંતન પંડ્યા અને તેમના બિઝનેસ પાર્ટનર રોની મજુમદાર દ્વારા બીજી એક રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે જેનું નામ રાઉડી રૂસ્ટર છે. આ નાનકડી ફાસ્ટ-ફૂડ શોપ છે જેમાં ફ્રાઈડ ચીકન ભારતીય પરંપરા મુજબનું મળે છે. ચીકન પકોડાથી માંડીને ચીકન ૬૫ અને ચિલી ચીકન સુધીની વાનગી વેચતી આ રેસ્ટોરાં લગભગ-લગભગ પૈડા વિનાના ફૂડ ટ્રક જેવી છે.
ડિસ્પોઝેબલ ડબ્બામાં ભોજન આપવામાં આવે છે, પાંચ મિનિટમાં જ પીરસાય છે અને બધી વાનગીઓનો ભાવ ૧૫ ડોલરથી ઓછો છે. તેમનો આ બિઝનેસ પણ ખૂબ સફળ થઈ રહ્યો છે. નાના-નાના ભારતીય રેસ્ટોરાં માત્ર બે કોસ્ટમાં જ નહીં પણ આખા યુએસમાં ફેલાઈ રહ્યા છે.
ટેક્સાસમાં લેબર કોસ્ટ સસ્તી અને કાયદા સરળ હોવાથી અહીં પણ આશ્ચર્યજનક રીતે રેસ્ટોરાંઓ ખુલી રહી છે. ડલાસમાં નવી ભારતીય રેસ્ટોરાંઓ જૂના જમાનાના ફેમિલી રેસ્ટોરાંને બુફે ફોર્મેટમાં ફેરવી રહી છે. તેઓ વિવિધ પ્રકારની બિરયાનીથી માંડીને ગુલાબજાંબુ કપ કેક ઉપરાંત ભારતમાં બનતી બીયરો પણ વેચે છે.SS2KP