Western Times News

Gujarati News

યુએસમાં ઈડા તોફાનથી તબાહીઃ મૃત્યુઆંક ૪૧ પર પહોંચી ગયો

ન્યુયોર્ક, અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, આ કુદરતી આફતના કારણે ૪૧ લોકોના મોત થઈ ગયા છે. પૂરના લીધે ઘણાં વાહનો ડૂબી ગયા અને ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે. ન્યુયોર્ક શહેરના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે એક બેઝમેન્ટમાં ફસાઈ જવાના કારણે ૮ લોકોના મોત થઈ ગયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે લોકોને સુરક્ષિત રહેવા અને ઘરની બહાર નહીં નીકળવા માટે જણાવવામાં આવ્યું છે. ન્યુયોર્કમાં સ્ટેટ ઈમર્જન્સી જાહેર કરાઈ છે.

બુધવારે રાત્રે શહેરમાં ઈડા તોફાનના લીધે ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. ન્યુયોર્કના મેયર બિલ ડી બ્લાસિયોએ બુધવારે રાત્રે ન્યુયોર્ક શહેરમાં ઈમર્જન્સીની સ્થિતિની જાહેરાત કરીને કહ્યું, “આપણે આજે રાત્રે શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ, ભયંકર પૂર અને રસ્તાઓ પર ખતરનાક પરિસ્થિતિઓ સાથે એક ઐતિહાસિક હવામાન ઘટનાનો સામનો કરી રહ્યા છીએ.” આ સાથે ગવર્નર હોચુલે પણ ન્યુયોર્ક પ્રાંત માટે સ્ટેટ ઈમર્જન્સીની સ્થિતિની જાહેરાત કરી છે.

ન્યુયોર્કમાં એફડીઆર ડ્રાઈવ અને બોક્સ રિવર પાર્ક બુધવારે મોડી રાત સુધી જલમગ્ન હતા. સબવે સ્ટેશનો અને રેલવેના પાટાઓ પર પાણી ફરી વળ્યા, જેના કારણે મેટ્રોપોલિટન ટ્રાન્પોર્ટેશન ઓથોરિટીની સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દેખાય છે કે શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં કેટલી ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે.

લોકોના ઘરોની બારીઓ સુધી પાણી પહોંચી જવાના કારણે તેમના જીવ અધ્ધર થઈ ગયા હતા. આવામાં કચરો પણ રસ્તા પર ભરાયેલા પાણીમાં ફરી વળ્યો છે. બીજી તરફ આ કપરી પરિસ્થિતિમાં પોતાનો જીવ બચાવવા માટે વલખા મારતા ૪૦થી વધુ લોકોના મોત થઈ ગયા છે. પાણીમાં ફસાઈ જવાના કારણે આ લોકોના મોત થઈ ગયા છે.

જેમાં એક બેઝમેન્ટમાં ફસાઈને મરી ગયેલા ૮ લોકોની ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. આવી સ્થિતિમાં નીચાણવાળી જગ્યાઓ પરથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ખતરનાક પરિસ્થિતિમાં લોકોને જરુર વગર બહાર ના નીકળવાની અને રસ્તા પર ગાડી ના દોડાવવાની સલાહ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.