Western Times News

Gujarati News

યુએસમાં ઘુસવાનો પ્રયાસ કરતા તમામને સ્થાનિક પોલીસે બચાવ્યા

અમદાવાદ, ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ અમેરિકા-કેનેડા બોર્ડર પર સેન્ટ રેજિસ નદીમાં ડૂબતી બોટમાંથી બચાવાયેલા છ ગુજરાતી યુવકોએ ચોંકી જવાય તેવી વાત કહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પૂછપરછ દરમિયાન અમેરિકાની પોલીસ સમક્ષ આ તમામ લોકોએ કબૂલ્યું હતું કે તેઓ ડૂબી જવાની અણી પર હતા તે જ વખતે તેમને સ્થાનિક પોલીસે બચાવી લીધા હતા.

આ તમામ લોકો કેનેડાથી બોટમાં બેસીને જળમાર્ગે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમેરિકાના ન્યૂયોર્કના આસિસ્ટન્ટ એટર્ની દ્વારા આ કેસના દસ્તાવેજ શેર કરવામાં આવ્યા હતા. જેમાં આ લોકો અમેરિકામાં કેવી રીતે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેઓ ડૂબી જવાની તૈયારીમાં હતા ત્યારે જ તેમનું રેસ્ક્યુ કરાયું હોવાની બાબતોનો ઉલ્લેખ છે.

આ અંગેનો એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં જણાવાયું હતું કે કઈ રીતે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતા છ ગુજરાતીઓને તેમની બોટ ડૂબી જાય તે પહેલા જ બચાવી લેવામાં આવ્યા હતા. ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ અમેરિકાના સમય અનુસાર સવારે ૬.૫૦ કલાકે અમેરિકાની પોલીસને મેસેજ મળ્યો હતો કે કેનેડા તરફથી એક બોટ આવી રહી છે જેમાં કેટલાક લોકો સવાર છે.

આ માહિતી બીજા કોઈ નહીં પરંતુ એક ઓફ ડ્યૂટી પોલીસ અધિકારીએ જ આપી હતી, જેણે કેનેડાના ઓન્ટારિયોના કોર્નવોલમાં આવેલી મોન્ટે કાર્લો હોટેલ નજીકથી એક બોટ પસાર થતાં જાેઈ હતી જેમાં છથી આઠ લોકો સવાર હતા.

મેસેજ મળતા જ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં ન્યૂયોર્ક સ્ટેટના હોગન્સબર્ગમાં સેન્ટ રેજિસ નદીમાં આ બોટ ડૂબી રહી હતી. બોટ ઈન્ટરનેશનલ બોર્ડરથી ૮૦૦ મીટર દૂર આવી ચૂકી હતી અને કિનારાથી ૩૦ યાર્ડ દૂર હતી.

તેમાં સાત લોકો સવાર હતા, જેમાં એકની ઓળખ બ્રાયન લેઝોર તરીકે થઈ હતી જે તરીકને કિનારા તરફ આવી ગયો હતો. જ્યારે યુએસ બોર્ડર પેટ્રોલના એજન્ટ્‌સે ડૂબી રહેલી બોટમાં રહેલા બાકીના છ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામને બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સ્વાસ્થ્ય યોગ્ય જણાતા પોલીસે તેમની કસ્ટડી લીધી હતી. પોલીસે પૂછપરછ શરુ કરતાં તમામ છ લોકોના નામ સહિતની વિગતો બહાર આવી હતી.

કેસના દસ્તાવેજ અનુસાર, આ છ લોકોની ઓળખ નાથાલાલ પટેલ, ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વેશ પટેલ, સાવન પટેલ અને દર્શન પટેલ તરીકે કરવામાં આવી હતી. પોલીસના ધ્યાને એ બાબત પણ આવી હતી કે તમામ લોકો પાસે અમેરિકામાં પ્રવેશવાના કોઈ કાયદાકીય દસ્તાવેજ નહોતા.

નીલ પટેલ નામના યુવકે પોલીસને જણાવ્યું હતું કે તે પહેલા કેનેડા પહોંચ્યો હતો અને ત્યાં એક મિત્ર સાથે થોડા દિવસ રહ્યા બાદ અમેરિકા આવવા નીકળ્યો હતો. એક એજન્ટ સાથે તે બોટમાં સવાર થઈ બોર્ડર ક્રોસ કરવાનો હતો પરંતુ અમેરિકામાં પ્રવેશ્યા બાદ થોડા જ સમયમાં બોટ ડૂબવા લાગી હતી.

અન્ય એક યુવક સાવન પટેલે જણાવ્યું હતું કે તે ૨૧ એપ્રિલે કેનેડા પહોંચ્યો હતો અને ત્યાં રોકાયા બાદ તે બોટમાં અમેરિકા આવવા નીકળ્યો હતો. અમેરિકન આસિસ્ટન્ટ એટર્નીના જણાવ્યા અનુસાર, તમામ લોકોને બ્રાયન લાઝોર દ્વારા અમેરિકામાં ઘૂસાડવામાં આવી રહ્યા હતા. તમામ લોકો પર હાલ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.