યુએસમાં ઘૂસવા પ્રયાસ કરતા પાણીમાં ફસાયેલા છ ગુજરાતીના રેસ્ક્યુ કરાયા
અમદાવાદ, અમેરિકામાં જઈને વસવાનું સપનું ગુજરાતી પરિવારની જિંદગી જ લઈ ગયું. ૧૬ જાન્યુઆરીએ યુએસ-કેનેડાની બોર્ડર પરથી ગુજરાતના એક પરિવારના ચાર સભ્યોના થીજી ગયેલા મૃતદેહ મળી આવ્યા હતા. રવિવારે કંઈક આવો જ ભળતો કિસ્સો સામે આવ્યો છે.
ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ૬ ગુજરાતીઓ ઠંડાગાર પાણીમાં લગભગ ડૂબી ગયા હતા. ગુજરાત પોલીસે રવિવારે જણાવ્યું કે, ગાંધીનગરના ડીંગુચાના પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરનારા જ માનવ તસ્કરનો હાથ હાલમાં બનેલી હ્યુમન ટ્રાફિકિંગની ઘટનામાં પણ છે.
૬ ગુજરાતીઓની વાત કરીએ તો, ૫ મેએ યુએસ અને કેનેડાની એજન્સીઓએ તેમનું રેસ્ક્યૂ કર્યું હતું. આ જૂથમાં યુએસનો એક નાગરિક પણ હતો. બરફાચ્છાદિત સેન્ટ રેજિસ નદીમાં સાત લોકોને લઈને જતી બોટ ડૂબવા લાગી હતી.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એજન્સી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે, “સેન્ટ રેજિસ મોહવાક ટ્રાયબલ પોલીસ ડિપાર્ટમેન્ટ (સેઈન્ટ રેગિસ મોહવાક ટ્રાયબલ પોલીસ ડિપોર્ટમેન્ટ), ધઅકવેસાસેને મોહવાક પોલીસ સર્વિસઅને હોગન્સબર્ગ-અકવેસાસેનવોલન્ટિયર ફાયર ડિપાર્ટમેન્ટ (એચએવીએફડી), યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સની મદદથી અમે સ્મગલિંગના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને સાત લોકોની ધરપકડ કરી છે.
ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, રેસ્ક્યૂ કરાયેલા છ ગુજરાતીઓમાં એન.એ. પટેલ, ડી.એચ. પટેલ, એન.ઈ. પટેલ, યુ. પટેલ, એસ. પટેલ અને ડી.એ. પટેલનો સમાવેશ થાય છે. “આ બધાની ઉંમર ૧૯થી ૨૧ની વચ્ચે છે અને તેઓ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના હોવાની સંભાવના છે. તેઓ સ્ટુડન્ટ વિઝા પર એપ્રિલ મહિનામાં કેનેડા ગયા હતા, તેમ સૂત્રોએ ઉમેર્યું. રિપોર્ટ પ્રમાણે, પકડાયેલા સાતમો શખ્સ ગેરકાયદે ઈમિગ્રેશન એજન્ટ છે.
ગુજરાત પોલીસ અને કાયદો-વ્યવસ્થા જાળવતી અન્ય એજન્સીઓ પાસેથી ક્રોસ-ચેક કર્યા બાદ મળેલી માહિતીને આધારે સૂત્રોએ કહ્યું, ભરત પટેલ ઉર્ફે બોબી અને તેના બે સાથીઓ ભાર્ગવ પટેલ અને અંકિત પટેલે આ છોકરાઓને કેનેડા મોકલ્યા હતા.
ભરત અને તેના સાગરિતોએ ગેરકાયેદ ઈમિગ્રેશન દ્વારા જાન્યુઆરી મહિનામાં જગદીશ પટેલ (૩૯ વર્ષ), પત્ની વૈશાલી (૩૭ વર્ષ) અને તેમના સંતાનો ૧૧ વર્ષીય દીકરી વિહાંગી અને ૩ વર્ષના દીકરા ધાર્મિકને મોકલ્યા હતા. આ ચારેય ડિંગુચાના રહેવાસીઓ હતા. ૧૬ જાન્યુઆરીએ હાડ થીજવતી ઠંડીમાં બરફમાં દટાઈ જવાના કારણે તેમના મોત થયા હતા. ૧૯ જાન્યુઆરીએ યુએસ અને કેનેડા તેમજ ભારતની એજન્સીઓએ કેસ દાખલ કર્યો હતો અને માનવ તસ્કરોના નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ હાથ ધરી હતી.
જાેકે, કોઈ મોટું પગલું ના ભરાતા માનવ તસ્કરોએ ગેરકાયદેસર રીતે લોકોને જાેખમી માર્ગ દ્વારા વિદેશ મોકલવાનું ચાલુ રાખ્યું હતું. ૫ મેએ રેસ્ક્યૂ કરાયેલા લોકો એ વાતનો પુરાવો છે કે ડીંગુચાનો આ એજન્ટ હજી પણ આ ડેન્જરસ ધંધો કરી રહ્યો છે. ૨૮ એપ્રિલે અકવેસાસેને મોહવાક પોલીસ સર્વિસને રેસ્ક્યૂ પહેલા જ કંઈ શંકાસ્પદ ગતિવિધિ થઈ રહી હોવાની બાતમી મળી હતી. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેન્ટ રેજિસ મોહવાક ટ્રાયબલ પોલીસ ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી કે, કેટલાક લોકોને લઈને એક બોટ કેનેડાથી યુએસ જઈ રહી છે.
સેન્ટ રેજિસ મોહવાક ટ્રાયબલ પોલીસ ડિપાર્ટમેન્ટે આ વાત ધ્યાને લીધી અને નોંધ્યું કે, અકવેસાસેનેની નદીમાં બોટ જઈ રહી છે. “મદદનો ફોન મળતાં બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ અને એચએવીએફડીતરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે તે બોટ લગભગ ડૂબવા આવી હતી.
એક વ્યક્તિ ડૂબતી બોટમાંથી જેમ-તેમ નીકળીને કિનારા સુધી આવી ગયો હતો. એચએવીએફડીએ બોટ લીધી અને તેઓ બાકીના છ લોકોનો જીવ બચાવી શક્યા, તેમ નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
બાદમાં માલૂમ પડ્યું કે, બોટમાં લાઈફ જેકેટ કે સુરક્ષાના અન્ય સાધનો નહોતા. આ સાતેય જણાને ડૉક્ટરોની ટીમે તપાસી હતી અને હાયપોથર્મિયાની સારવાર આપી હતી. અહીંથી તેમને છોડવામાં આવ્યા ત્યારે યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સે ધરપકડ કરી અને આગળની પ્રક્રિયા માટે બોર્ડર પેટ્રોલ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
છ ગુજરાતીઓ સામે વિદેશી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરીનો અને યુએસ નાગરિક સામે વિદેશી વ્યક્તિઓને ઘૂસાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિદેશી વ્યક્તિઓની ઘૂસણખોરીને હત્યા જેવો ગંભીર અપરાધ ગણવામાં આવે છે અને દરેક વખતે આ કાયદો તૂટે તેના માટે ૧૦ વર્ષની જેલની સજા છે.SSS