યુએસે રિઝર્વ ખોલવાની જાહેરાત કરતાં ક્રૂડ બેરલ દીઠ ૧૦૦ ડોલરની નીચે

નવી દિલ્હી, ક્રૂડના ટોચના સંગ્રહકાર અમેરિકાએ વધતા જતા ક્રૂડના ભાવને જાેતા સપ્લાય વધારવા માટે રિઝર્વ ખોલવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવ ગુરૂવાર મોડી રાત્રે ગગડ્યાં છે. ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની નીચે આવી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને કહ્યું હતું કે અમેરિકા તેના ક્રૂડ રિઝર્વને ખોલશે. ઈતિહાસના ખૂબ ઓછા કિસ્સાઓમાં યુએસ ક્રૂડ ઓઈલના ફુગાવાને પહોંચી વળવા માટે રિઝર્વ ખોલતું હોય છે.
ક્રૂડ ફ્યુચર્સ શુક્રવારે શરૂઆતના સેશનમાં ૨%થી વધુના ઘટાડે ૯૮ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ પણ પોણા બે ટકાના ઘટાડે ૧૦૨.૭૫ ડોલરની આસપાર પહોંચ્યા છે. આ અઠવાડિયે અત્યાર સુધીમાં ૧૫%નો કડાકો જાેવા મળ્યો છે,જે છેલ્લા બે વર્ષ એટલેકે કોરોનાની શરૂઆત બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે.
અહેવાલ અનુસાર અમેરિકા છ મહિના માટે દરરોજ ૧૦ લાખ બેરલ ક્રૂડ રિઝર્વમાંથી છોડવાની યોજના ધરાવે છે. આ સિવાય ગુરૂવારના એક અહેવાલ અનુસાર ઓપેક પ્લસ દેશો ક્રૂડનું ઉત્પાદન વધારીને મે મહિનામાં સપ્લાય વધારી શકે છે.
રશિયા યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો ૩૭મો દિવસ છે ત્યારે વૈશ્વિક કોમોડિટી બજારોમાં ઉથલપાથલ છે અને ખાદ્યપદાર્થોથી લઈને ઈંધણ સુધીના ભાવ વધી રહ્યા છે.SSS