Western Times News

Gujarati News

યુએસ ઇઝરાયલને વધુ ઘાતક બોમ્બ સપ્લાય કરશે

ટ્રમ્પે બાઈડેનનો આદેશ ઉલટાવ્યો

યુદ્ધ વિરામ કરાર છતાં ઇઝરાયેલ પેલેસ્ટાઈન પર છૂટક હુમલા કરી પેલેસ્ટીનીયન નાગરીકોના જીવ લઇ રહ્યું છે

વોશિગ્ટન, 
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ૧૫ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હાલ શાંત થઇ ગયું છે, બંને પક્ષો કામચલાઉ યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. અહેવાલ મુજબ, યુદ્ધ વિરામ કરાર છતાં ઇઝરાયેલ પેલેસ્ટાઈન પર છૂટક હુમલા કરી પેલેસ્ટીનીયન નાગરીકોના જીવ લઇ રહ્યું છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ પેન્ટાગોનને ઇઝરાયેલને વધુ ઘાતક બોમ્બ સપ્લાયની મંજુરી આપી છે. વ્હાઈટ હાઉસના અધિકારીના જણાવ્યા મુજબ કે ટ્રમ્પના વહીવટીતંત્રએ પેન્ટાગોનને ૨,૦૦૦ પાઉન્ડના બોમ્બ સપ્લાય ફરી શરુ કરવાનો આદેશ આપ્યો છે.

ગાઝામાં ઇઝરાયલમાં મોટી સંખ્યામાં પેલેસ્ટીનીયન નાગરિકોના મોત થયા છે, જેને કારણે આંતરાષ્ટ્રીય ધોરણે ઇઝરાયલને હથિયારની સપ્લાય બંધ કરવા દબાણ વધ્યું હતું. પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બાઈડેનના શાસનકાળ દરમિયાન મે મહિનામાં અમેરિકાએ ઇઝરાયલને ૨,૦૦૦ પાઉન્ડના ૩,૫૦૦ બોમ્બની ડિલીવરી પર રોક લગાવી દીધી હતી.ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના યુદ્ધના વલણ સામે બાઈડેન વહીવટીતંત્રએ નારાજગી દર્શાવી હતી. જેના કારણે યુએસ-ઇઝરાયલ સંબંધોમાં તણાવ વધ્યો હતો. હવે ટ્રંપ સરકારના આગમન સાથે આ રોક હટાવી લેવામાં આવી છે. હવે યુએસ ઇઝરાયેલને ઘાતક હથીયારો સપ્લાય કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાનના ઇઝરાયેલને શક્ય તમામ મદદ આપવા વચનો આપ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.