Western Times News

Gujarati News

યુએસ-કેનેડા સિક્યુરિટી એજન્સીની ટીમ ગાંધીનગરમાં

અમદાવાદ, ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં ડીંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યોના મોત થીજી જવાના કારણે કેનેડાની સરહદે થયા હતા. આ ઘટનાના આશરે બે મહિના બાદ યુએસ અને કેનેડાની સિક્યુરિટી એજન્સીઓ અને કોન્સ્યુલેટ જનરલ ગાંધીનગર આવી પહોંચ્યા હતા.

રાજ્યના ગૃહ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફેડરલ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોના એક સભ્ય સહિત પ્રતિનિધિઓએ રાજ્યમાં ચાલતાં ગેરકાયદે ઈમિગ્રેશન રેકેટની તપાસ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં વિદેશી એજન્સીઓ પણ સક્રિય ભાગ ભજવી રહી છે ત્યારે વ્યાપક તપાસ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યો યુએસ-કેનેડાની બોર્ડરથી ૧૦ મીટરના અંતરે ઠંડીમાં થીજી જવાના કારણે ૧૯ જાન્યુઆરીએ મૃત્યુ પામ્યા હતા. જે બાદ ગુજરાત પોલીસે ઉત્તર ગુજરાતમાં ચાલતાં અન્ય ગેરકાયદે ઈમિગ્રેશન રેકેટને ઉઘાડા પાડ્યા હતા અને કેટલાક એજન્ટો પોલીસની રડારમાં હતા.

“યુએસ અને કેનેડા અધિકારીઓ અહીં કેસને લગતી કેટલીક કડીઓ શોધવા આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં ચાલતાં ગેરકાયદે ઈમિગ્રેશનની વધુ સારી રીતે ડામી શકાય તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે”, તેમ કેસના જાણકાર અધિકારીએ જણાવ્યું. ગૃહ વિભાગના એક અધિકારીએ કહ્યું, “સ્થાનિક પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, એરલાઈનના અમુક કર્મચારીઓ પણ સ્થાનિક એજન્ટોને માનવ તસ્કરીમાં મદદ કરી રહ્યા છે. જેથી વિદેશથી આવેલા ઈન્વેસ્ટિગેશન ઓફિસરો એરલાઈનના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે.

નકલી ઓળખ ઊભી કરીને ગુજરાતમાંથી યુએસ અને કેનેડા જઈને વસતાં લોકોનો મુદ્દો પણ અધિકારીઓના ધ્યાનમાં છે.” યુએસ અને કેનેડાના અધિકારીઓ ઈચ્છે છે કે શહેરના એરપોર્ટ પર મલ્ટી-લેયર ચેકિંગ હોવું જાેઈએ જેથી યુએસમાં લોકોની ગેરકાયદે ઘૂસણખોરી રોકી શકાય”, તેમ ગૃહ વિભાગના અધિકારીએ ઉમેર્યું.

દરમિયાન, એક વરિષ્ઠ પોલીસકર્મીએ કહ્યું, “વિદેશથી આવેલા ઓફિસરોએ ગુજરાત પોલીસને આ રેકેટોમાં સંકળાયેલા એજન્ટો સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે. યુએસ કોન્સ્યુલેટ જનરલના એક ઓફિસરે જણાવ્યું કે, ડીંગુચાના પરિવાર સાથે કેનેડા ગયેલા અન્ય છ લોકોને ટૂંક સમયમાં જ ભારત પાછા મોકલી દેવાશે.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.