યુકેમાં ૨૩ કલાક પછી કપાયેલા ગુપ્તાંગને ડૉક્ટરે ફરી જોડ્યું

લંડન, ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે. બ્રિટનમાં ડૉક્ટરોએ એક માનસિક અસ્થિર વ્યક્તિની ભૂલને સુધારીને ચમત્કાર કરી દીધો છે. હકીકતમાં આ વ્યક્તિએ ચપ્પુ વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. આવું કરીને આ શખ્સ આપઘાત કરવા માંગતો હતો. ડૉક્ટર પાસે આ કેસ આવ્યા બાદ તેમણે સર્જરી કરીને વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટને ફરીથી જાેડી દીધું હતું. સર્જરીના છ અઠવાડિયા બાદ હાલ દર્દીના ઘા પણ રુઝાઇ ગયા છે. મેડિકલ સાયન્સમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ કપાયેલા પ્રાઇવેટ પાર્ટને ૨૪ કલાક પછી જાેડવામાં આવ્યું હોય, તેમજ આ સર્જરી સફળ પણ રહી હોય. બ્રિટિશ મેડિકલ જર્નલમાં આ કેસનો રિપોર્ટ છપાયો છે.
રિપોર્ટ પ્રમાણે ૩૪ વર્ષના બ્રિટિશ નાગરિકે શાકભાજી કાપવાના ચપ્પુથી પોતાનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે. તે Schizophrenia નામની બીમારીથી પીડાઈ રહ્યો છે.
પોલીસ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. તાત્કાલિક તેને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેના શરીરના અન્ય ભાગમાં પણ ઈજા પહોંચી હતી. યુનિવર્સિટી હૉસ્પિટલ બર્મિંઘમ એનએચ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમાણે આવા કેસમાં પ્રાઇવેટ પાર્ટને ૧૫ કલાકમાં જ જાેડી દેવું જરૂરી હોય છે.
જાેકે, આ કેસમાં દર્દીને હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં ૨૩ કલાક પસાર થઈ ગયા હતા. આથી ડૉક્ટરો માટે ઓપરેશન કરવું ખૂબ પડકારજનક હતું. સર્જરી દરમિયાન લોહીના પરિભ્રમણ માટે હાથમાંથી એક નસ કાઢવામાં આવી હતી અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્જરી પછી દર્દીને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી. બે અઠવાડિયામાં તેને જનરલ વૉર્ડમાં ખસેડી દેવામાં આવ્યો હતો. જે બાદમાં તેને માનસિક બીમાર દર્દીના વોર્ડમાં દાખલ કરાયો હતો. છ અઠવાડિયામાં વ્યક્તિ ફરીથી એકદમ સાજાે થઈ ગયો હતો.