યુક્રેનથી પરત આવેલા ૨૭ ગુજરાતીનું CMએ સ્વાગત કર્યું
ગાંધીનગર, ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને પરત લાવવા માટે તાબડતોબ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. યુક્રેનમાં ફ્લાઈટ ઉતારવી શક્ય ના હોવાથી પાડોશી દેશથી ઓપરેશન ગંગા અંતર્ગત ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યા છે.
જેમાં યુક્રેના પાડોશી દેશ રોમાનિયાના બુખારેસ્ટ અને હંગેરીના બુડાપેસ્ટ એરપોર્ટથી વતન પરત લાવવામાં આવી રહ્યા છે. જેમાં આજે સવારે વધુ કેટલાક ગુજરાતીઓ માદરે વતન પહોચ્યા છે. ગાંધીનગર આવેલા ૨૭ વિદ્યાર્થીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરીને તેમના ખબર-અંતર પણ પૂછ્યા હતા. આ અગાઉ પર ગુજરાતના વિદ્યાર્થીઓ ગઈકાલે પણ પોતાના વતન પહોંચ્યા હતા.
જીતુ વાઘાણીએ ભારત સરકારના અન્ય દેશો સાથેના સારા સંબંધની પ્રશંસા કરીને કોંગ્રેસ પર વાર કર્યા છે. અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ યુક્રેનમાં ફસાયા હતા તે ગુજરાત પરત આવી ગયા છે.
બાકી રહેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ કામગીરી કરાઈ રહી છે. યુક્રેનથી સફળ રીતે સ્વદેશ પહોંચ્યા બાદ ગુજરાતના વિદ્યાર્થીઓ સવારે ગાંધીનગર સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દરમિયાન સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને મુખ્યમંત્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ક્ષેમકુશળ પરત આવવા બદલ શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ તેમને યુદ્ધની સ્થિતિમાં પડેલી મુશ્કેલી અંગે પણ વાત કરી હતી. મુખ્યમંત્રી અને મંત્રીની સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે તેમના વાલીઓ પર ગાંધીનગર પહોંચ્યા હતા.
ગાંધીનગ પહોંચેલા વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાને જાેઈને ભાવુક થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા ઓપરેશન ગંગા સહિત ભારત સરકાર દ્વારા તેમને પૂરી પાડવામાં આવેલી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
મીડિયા સાથે કરેલી વાતચીતમાં વિદ્યાર્થીઓએ હજુ પણ યુક્રેન અને પાડોશી દેશની સરહદ પર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરત આવવા માટે વલખા મારી રહ્યા હોવાનું જણાવ્યું છે. જેમ-જેમ વધારે સમય પસાર થઈ રહ્યો છે તેમ-તેમ બોર્ડર પર રહેલા વિદ્યાર્થીઓની કપરી હાલત બની રહી હોવાનું સામે આવી રહ્યું છે.
આ સાથે એવા વીડિયો પણ સામે આવી રહ્યા છે કે બોર્ડર પર સૈનિકો દ્વારા વિદ્યાર્થીઓ પર અમાનવી વર્તન ગુજારવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યા બાદ તેમને એક હોલમાં બેસાડીને મુખ્યમંત્રી દ્વારા તેમની સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન જીતુ વાઘાણી સહિત કેટલાક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા જીતુ વાઘાણીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે ભારતના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ સાથે જે સંબંધો છે તેના કારણે વિદ્યાર્થીઓને ઝડપથી પરત લાવવામાં મદદ મળી રહી છે. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.SSS