યુક્રેનથી ભારતના 18,000થી વધુ MBBSના વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ

પ્રતિકાત્મક
રશિયામાં 20 લાખ રૂપિયામાં MBBSનો થઈ શકે છે અભ્યાસ જેમાં હોસ્ટેલ ફી સહિતનો તમામ ખર્ચ સામેલ
નવીદિલ્હી, રશિયા-યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે અને તેને આગળ વધતું અટકાવવા માટે આખી દુનિયા મથી રહી છે. બીજી બાજુ રશિયાના ખતરનાક હુમલાઓનો સામનો કરી રહેલા યુક્રેનમાં ભારતના 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય તેમને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે.
આ ઉપરાંત રશિયામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 14 હજાર જેટલી થવા જતી હોવાથી તેમને લાવવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે.
અહીં સૌથી મોટો સવાલ એ છે કે ભારતમાં તમામ પ્રકારના મેડિકલ અભ્યાસની વ્યવસ્થા હોવા છતાં વિદ્યાર્થીઓ શા માટે યૂક્રેન-રશિયા સહિતના દેશોમાં જઈ રહ્યા છે ? આ પાછળ આમ તો અનેક કારણો છે પરંતુ મુખ્ય કારણ ફીનું જ ગણવામાં આવે તો કોઈને વાંધો ન હોવો જોઈએ.
જાણવા મળ્યા પ્રમાણે યૂક્રેનની કોલેજોમાં એમબીબીએસના અભ્યાસની વાર્ષિક ફી ચારથી પાંચ લાખ રૂપિયા જેટલી થવા જાય છે જે ભારતની તુલનાએ અનેકગણી ઓછી છે. ભારતની સરકારી કોલેજોમાં સાડા ચાર વર્ષ સુધી ચાલનારા આ અભ્યાસ માટે વિદ્યાર્થીએ 10થી 12 લાખ તો ખાનગી કોલેજોમાં રૂા.50 લાખ ખર્ચવા પડવા પડે છે
જે અનેક વિદ્યાર્થીઓને પરવડતા હોતાં નથી. આ ઉપરાંત ભારતમાં અંદાજે એક લાખ બેઠકો માટે 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતાં હોય છે તો વિદ્યાર્થીઓને કોચિંગ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. યૂક્રેન ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓ રશિટા, ફિલીપાઈન્સ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં જતાં હોય છે જ્યાં મેડિકલનો અભ્યાસ ઘણો સસ્તો હોય છે.
આવી જ રીતે રશિયામાં પણ અંદાજે વીસેક લાખ રૂપિયાના ખર્ચે ડૉક્ટરનો અભ્યાસ કરી શકાતો હોવાને કારણે ભારતીયો ત્યાં જઈને અભ્યાસ કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. રશિયામાં 20 લાખની જે ફી થાય છે તેમાં હોસ્ટેલ સહિતનો ખર્ચ સમાવિષ્ટ હોવાને લીધે વિદ્યાર્થીઓને ઘણો જ ફાયદો થાય છે.