યુક્રેનથી ૧૮૦૦૦ ભારતીયોને પરત લવાયા, એર ઈન્ડિયામાં સૌથી વધુ લવાયા

નવીદિલ્હી, ભારત સરકારે જણાવ્યું હતું કે, યુક્રેનના પડોશી દેશોમાંથી ભારતીય નાગરિકોને બચાવવા માટે ‘ઓપરેશન ગંગા’ હેઠળ, આજે સુચાવાથી ૨ વિશેષ નાગરિક ફ્લાઇટ્સ દ્વારા ૪૧૦ ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે, ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ શરૂ થયેલી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા લગભગ ૧૮ હજાર ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે.
૭૫ વિશેષ નાગરિક ફ્લાઇટ્સ દ્વારા એરલિફ્ટ કરવામાં આવેલા ભારતીયોની સંખ્યા વધીને ૧૫૫૨૧ પર પહોંચી છે. ઓપરેશન ગંગાના ભાગરૂપે આઇએએફએ ૨૪૬૭ મુસાફરોને પરત લાવવા માટે ૧૨ મિશન ઉડાવ્યા હતા અને ૩૨ ટનથી વધુ રાહત સામગ્રી વહન કરવામાં આવી હતી.
નાગરિક ફ્લાઇટ્સમાં, બુકારેસ્ટથી ૨૧ ફ્લાઇટ્સ દ્વારા ૪૫૭૫ મુસાફરો, ૯ ફ્લાઇટ્સ દ્વારા સુચાવાથી ૧૮૨૦, બુડાપેસ્ટથી ૨૮ ફ્લાઇટ્સ દ્વારા ૫૫૭૧, કોસીસથી ૫ ફ્લાઇટ્સ દ્વારા ૯૦૯ મુસાફરો, ૧૧ ફ્લાઇટ્સ દ્વારા ૨૪૦૪ ભારતીયોને ઝેસઝોવથી અને કિવથી ૨૪૨ વ્યક્તિઓને લાવવામાં આવ્યા છે.
સૌથી વધુ ઇન્ડિગોની ફ્લાઇટથી ભારતીયોને લાવવામાં આવ્યા હતા. ઇન્ડિગોની ૩૪ ફ્લાઇટથી ૭૪૦૪ લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા, જ્યારે એર ઇન્ડિયાથી ૩૨૫૦ અને એર ઇન્ડિયા એક્સપ્રેસથી ૧૬૫૨ ભારતીયોને પરત લવાયા હતા.HS