યુક્રેનનાં 19 શહેરોમાં એરસ્ટ્રાઈકની રશિયાએ ચેતવણી આપી

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન યુદ્ધના 18 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી યુક્રેનમાં સ્થિતિ કાબુમાં આવી નથી. હવે યુદ્ધના 19મા દિવસે યુક્રેનના 19 શહેરોમાં હવાઈ હુમલાની સાઈરન વાગી રહી છે. આ સિવાય રાજધાની કિવ અને ખાર્કિવ પર રશિયન મિસાઈલ હુમલાઓ ચાલુ છે. બંને દેશો વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક યોજાવાની છે, પરંતુ આ પહેલા થયેલી ત્રણ બેઠકોમાં કોઈ ઉકેલ આવ્યો નથી.
આ દરમિયાન ચેચન વિદ્રોહીઓ પણ રાજધાની કિવ નજીક પહોંચી ગયા છે. નોંધનીય છે કે ચેચન્યામાં સત્તા ઉપર રહેલા ચેચન લડવૈયાઓ રશિયા તરફથી આ યુદ્ધમાં ઉતર્યા છે અને યુક્રેનની સેના પર સતત હુમલો કરી રહ્યા છે. કિવ પહોંચ્યા પછી, ચેચન લડવૈયોઓએ ઘણા વીડિયો જાહેર કર્યા છે અને દાવો કર્યો છે કે તેઓએ કિવ નજીક યુક્રેનિયન સૈન્ય મથકો ઉપર હુમલો કર્યો છે.
આ પહેલા રવિવારે રશિયાએ યુક્રેનમાં એક સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. તેમણે 180 વિદેશી હત્યારાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ 30થી વધુ ક્રૂઝ મિસાઈલોથી સૈન્ય તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેનના સૈન્ય અધિકારીઓએ કહ્યું કે રશિયન હુમલામાં 35 લોકો માર્યા ગયા હતા અને 134 ઘાયલ થયા હતા. તેમણે પીડિતોની રાષ્ટ્રીયતાની ઓળખ જાહેર કરી નથી.