યુક્રેનના 87 મિલિટરી બેઝ પર એર સ્ટ્રાઈકમાં 500 યુક્રેની સૈનિકોના મોતઃ રશિયાનો દાવો

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે બે મહિના કરતા વધારે સમયથી જંગ ચાલી રહ્યો છે.જોકે બંને પક્ષો પાછા હટવાનુ નામ નથી લઈ રહ્યા.
યુધ્ધના કારણે બને દેશોના હજારો સૈનિકોએ જીવ પણ ગુમાવ્યો છે.આમ છતા યુધ્ધનો અંત દેખાઈ રહ્યો નથી. દરમિયાન રશિયાએ એક જ દિવસમાં યુક્રેનના 500 સૈનિકોને મારી નાંખવાનો દાવો કર્યો છે.
રશિયન ન્યૂઝ એજન્સીએ કહ્યુ હતુ કે, રશિયન એરફોર્સે યુક્રેનના 87 જેટલા મિલિટરી બેઝને ટાર્ગેટ કર્યા હતા અને તેમાં 500 યુક્રેની સૈનિકોના મોત થયા છે. જોકે યુક્રેને હજી સુધી આ બાબતને સમર્થન આપ્યુ નથી.
દરમિયાન યુક્રેને દાવો કર્યો છેકે, દોનેત્સક વિસ્તારમાં રશિયન સેનાએ નાગરિકોને ટાર્ગેટ બનાવીને 24 કલાકમાં 17 વખત ફાયરિંગ કર્યુ છે અને તેમાં ચાર લોકોના મોત થયા છે.
દરમિયાન રશિયાએ ફરી ચેતવણી આપીને કહ્યુ છે કે, યુક્રેન ત્રીજા વિશ્વ યુધ્ધને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને તેમાં પરમાણુ યુધ્ધના ખતરાને ઓછો આંકી શકાય તેમ નથી.
અમેરિકાએ જંગની વચ્ચે યુક્રેનને વધારે હથિયારો આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રીએ ગઈકાલે કીવની મુલાકાત પણ લીધી હતી અને કહ્યુ હતુ કે, રશિયા નાકામ રહ્યુ છે અને યુક્રેન જીતી રહ્યુ છે.