યુક્રેનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: 18 હજાર ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

કિવ,રશિયા અને યુક્રેન વચ્ચેની ઘર્ષણ ભરેલી સ્થિતિ વધુને વધુ વણસી રહી છે અને બન્ને દેશો વચ્ચે યુદ્ધના એંધાણ છે. આવી પરિસ્થિતિમાં યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા 18 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. આ વિદ્યાર્થીઓ અત્યારે ભયભીત છે અને કહી રહ્યા છે કે બન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો તેમના અભ્યાસમાં ગંભીર અડચણો ઉભી થશે.
અત્યારે રશિયાએ યુક્રેન સરહદે મોટી સંખ્યામાં સૈન્ય ટુકડીઓ અને સૈન્ય ઉપકરણો તૈનાત કર્યા છે. આ ઘર્ષણ સામે યુરોપની સરહદોને સુરક્ષિત કરવા બ્રિટને નાટોની વધુ ટુકડીઓ તૈનાત કરવાની માંગણી કરી છે અને યુક્રેન પર દબાણ કરવાના રશિયાના વલણની ટીકા કરી છે.
અત્યારે યુક્રેનમાં મેડિકલ અને એન્જિનિયરિંગના વિવિધ અભ્યાક્રમોમાં ભારતના 18,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસમાં તેમનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ વિદ્યાર્થીઓ યુક્રેનમાં કયા સ્થળે રહે છે અને કઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેની વિગત, યુક્રેનની સંપર્ક વિગતો અને પાસપોર્ટ નંબર સહિતની વિગતો ભારતીય દૂતાવાસ પાસે છે.
ઉપરાંત ભારતના કયા વિસ્તારમાંથી તેઓ આવે છે તેની વિગતો પણ છે. જેથી આ વિદ્યાર્થીઓને ડર છે કે ફેબુ્રઆરીના પ્રથમ સપ્તાહમાં નવું સેમેસ્ટર શરૂ થવાનું છે. આવી પરિસ્થિતિમાં યુદ્ધ ફાટી નીકળશે તો દૂતાવાસ તેમને ભારત પરત મોકલી દેશે.