યુક્રેનમાં સુરક્ષા આપનાર બોડીગાર્ડની રામ ચરણે મદદ કરી
મુંબઈ, મેગાસ્ટાર રામ ચરણ હાલ અપકમિંગ ફિલ્મ RRRને લઈને ચર્ચામાં છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક અલગ જ કારણોસર તેની વાહવાહી થઈ રહી છે. હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રામ ચરણે પોતાના યુક્રેનિયન બોડીગાર્ડની મદદ કરીને સૌના દિલ જીતી લીધા છે.
રામ ચરણ શૂટિંગ માટે યુક્રેન ગયો હતો ત્યારે રસ્ટી તેનો બોડીગાર્ડ હતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતાં રસ્ટી પોતાના ૮૦ વર્ષીય પિતા સાથે આર્મીમાં જાેડાઈ ગયો જેથી પોતાના દેશને રશિયાથી બચાવી શકાય. રસ્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહે છે. ‘હાઈ, મારું નામ રસ્ટી છે. રામ ચરણ યુક્રેનમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે હું તેમનો બોડીગાર્ડ હતો.
થોડા દિવસ પહેલા તેમણે મારો સંપર્ક કર્યો હતો અને મારા તેમજ મારા પરિવારના ખબર-અંતર પૂછ્યા હતા. મેં તેમને જણાવ્યું કે, હું મિલિટ્રીમાં જાેડાઈ ગયો છું. ત્યારે તેમણે મને આર્થિક મદદની ખાતરી આપી હતી અને મારા પરિવારનું ધ્યાન રાખવાનું કીધું હતું.
આ ખરેખર તેમની ઉદારતા છે. વિડીયોમાં આગળ રસ્ટી એમ પણ કહે છે કે, રામ ચરણે તેની બીમાર પત્ની માટે દવાઓ અને થોડી જીવન જરૂરિયાતની વસ્તુ મોકલી હતી. હવે રસ્ટીની પત્નીની તબિયત સારી છે. આ માટે તેણે રામ ચરણનો આભાર માન્યો છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો રામ ચરણની ઉદારતાના વખાણ કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે, RRRનું શૂટિંગ ભારતના વિવિધ સ્થળો ઉપરાંત બ્લગેરિયા અને યુક્રેનમાં પણ થયું છે.
ફિલ્મની ફાઈટ સિક્વન્સ ઉપરાંત પોપ્યુલર થયેલું નાટુ નાટુ ગીત પણ યુક્રેનમાં શૂટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રામ ચરણ ઉપરાંત જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ જાેવા મળશે. ફિલ્મ ૨૫ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે.SSS