યુક્રેન- રશિયા યુધ્ધને કારણે ખાદ્યતેલના ભાવમાં ઉછાળાની શક્યતા
રશિયા-યુક્રેનમાંથી આવતા સનફલાવર તેલના કન્સાઈન્ટમેન્ટ બ્લેક-સીમાં અટવાયા: ખાદ્યતેલોની સપ્લાય ટાઈટ થવાની શક્યતા
(પ્રતિનિધિ) અમદાવાદ, “સુકાભેગુ લીલુ બળે” આપણે ત્યાં કહેવત છે. યુક્રેન- રશિયા વચ્ચેના ભીષણ યુધ્ધને કારણે અનેક દેશોની હાલત ખરાબ થઈ જશે જાે યુધ્ધ લાંબુ ચાલ્યુ તો ભારત પર તેની અસર થવાની શરૂઆત થઈ જશે. ખાસ કરીને રોજીંદા વપરાશમાં લેવાતા અલગ-અલગ પ્રકારના ખાદ્યતેલોના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવે તેવી શક્યતા છે.
કારણ કે દેશમાં તેલીબીયાનું ઉત્પાદન એટલા પ્રમાણમાં થતુ નથી કે કરોડો નાગરિકોને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. મોટેભાગે જે ખાદ્યતેલ આવે છે તે વિદેશથી આવે છે તેમાં યુક્રેન, રશિયાનો સમાવેશ થાય છે આગામી એક મહિના સુધી ખાદ્યતેલની શોર્ટેજના દ્રશ્યો જાેવા મળે તો નવાઈ રહેશે નહિ.
બજારમાં ચાલતી ચર્ચા મુજબ રશિયા- યુક્રેન વચ્ચે યુધ્ધના કારણે સનફલાવર તેલ જે ૭૦ ટકા યુક્રેન અને બાકીનું ૩૦ ટકા જે રશિયાથી આવતુ હતુ તે બ્લેક-સીના માર્ગે શીપમેન્ટથી સ્ટીમરો ધ્વારા આવતુ હતું તે લગભગ બંધ છે તેથી સપ્લાય બંધ થતા સનફલાવરની શોર્ટેજ થતા અગર તો ભાવ વધતા લોકો અન્ય ખાદ્યતેલ ખાવા તરફ ધ્યાન દોડાવશે.
તેથી ભાવવધારો થવાની પુરેપુરી શકયતા છે લોકલ તેલમાં સીંગતેલમાં પણ બધે પહોંચી વળાય તેમ નથી ૬૦ થી ૭૦ ટકા અન્ય તેલ ભારતમાં અન્ય દેશોમાંથી આયાત થાય છે જેમાં ૬૦ ટકા પામોલીન અને ૧૦ ટકા સોયાબીન- સનફલાવરનો સમાવેશ થાય છે હોટલવાળા- નમકીનવાળા તેમને ત્યાં મોટેભાગે પામોલીનનો વપરાશ કરતા હોય છે જે ઈન્ડોનેશિયા- મલેશિયાથી પણ આવે છે.
ઈન્ડોનેશિયાએ તો દેશમાં ઉત્પાદિત તેલમાંથી ર૦ ટકા ફરજીયાત ફાળવવા નિયમ બનાવ્યો છે મલેશિયામાં લેબરની શોર્ટેજ ચાલી રહી છે. આ બધા કારણોથી સંભવતઃ ત્યાંથી પુરવઠો ઓછો આવી રહયો છે. યુધ્ધ વધારે લાંબુ ખેંચાયુ તો તેની વ્યાપક અસર વર્તાશે.
બજારમાં ચાલતી ચર્ચા મુજબ આગામી ૧૦ થી ૧પ દિવસ પછી ખાદ્યતેલોના ભાવમાં ઉછાળો આવે તેવી સંભાવના છે. જાેકે બજારમાં ચાલતી અનેક પ્રકારની અટકળો ખોટી પણ હોય છે તેથી કોઈએ ભયભીત થયા વિના ખોટો સંગ્રહ કરવાની પણ જરૂર નથી પરંતુ ‘યુધ્ધ’ લંબાશે તો વિષમ પરિસ્થિતિ સર્જાશે તે નકકી મનાય છે.