યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું
નવીદિલ્હી, ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે ક્વાડના સભ્ય દેશોએ યુક્રેન સંકટ પર ભારતના સ્ટેન્ડને સ્વીકારી લીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનમાં સંઘર્ષને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે.
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ ફારેલે આ નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની થનારી ડિજિટલ સમિટના એક દિવસ પહેલા આવ્યું છે. આ સમિટમાં બંને દેશો વચ્ચે યુક્રેનની સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના છે.
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે મીડિયાને કહ્યું કે ક્વાડ દેશોએ ભારતના વલણનો સ્વીકાર કર્યો છે. અમે સમજીએ છીએ કે દરેક દેશનો એક દ્વિપક્ષીય સંબંધ છે. ભારતીય વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી મોદીની આ ટિપ્પણીઓથી સ્પષ્ટ છે કે તેમણે સંકટને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કર્યો છે.
વાત જાણે એમ છે કે યુક્રેનમાં રશિયાના સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન પર ભારતના સ્ટેન્ડથી પશ્ચિમી દેશોમાં બેચેની છે. રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાના ભારતના ર્નિણયથી તેમની આ બેચેની વધી ગઈ છે. આ બંને મુદ્દાઓ પર રવિવારે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરને સવાલ કરવામાં આવ્યો હતો. જેના પર તેમણે મીડિયાને પોતાનો જવાબ આપ્યો.
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરની ટિપ્પણીથી અલગ જાેઈએ તો યુક્રેન મામલે ભારતનું વલણ ૧૯૫૭માં તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા અપનાવવામાં આવેલી નીતિથી પ્રેરિત જાેવા મળે છે. તે વખતની નહેરુ નીતિ હેઠળ બે કે વધુ દેશોમાં યુદ્ધ થવા પર ભારત કોઈ એકનો પક્ષ લેતું નહતું કે ન તો કોઈની ટીકા કરતું હતું. તેની જગ્યાએ તે સંબંધિત પક્ષોને વાતચીત માટે પ્રોત્સાહિત કરીને સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતું હતું.
એક સૂત્રએ જણાવ્યું કે ‘યુક્રેનમાં જે કઈ થઈ રહ્યું છે તેનું સમરથન કરવાનો ભારત પર કોઈએ આરોપ લગાવ્યો નથી. ભારત જે કઈ કોશિશ કરતું જાેવા મળે છે તે ૬૫ વર્ષ પહેલા નહેરુ દ્વારા તૈયાર કરાયેલી નીતિ અંતર્ગત જ છે.’ અત્રે જણાવવાનું કે ભારતે યુક્રેન પર રશિયાના હુમલાની ટીકા કરી નથી. જ્યારે કવાડના અન્ય સભ્ય દેશો જેમ કે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ રશિયાની આ કાર્યવાહીની ટીકા કરી છે. ભારતનું એમ કહેવું છે કે સંકટનો ઉકેલ વાર્તા અને કૂટનીતિ દ્વારા લાવવો જાેઈએ.HS