યુદ્ધ વચ્ચે US પ્રેસિડન્ટ ઝેલેન્સકીને મળવા કિવ પહોંચશે
કિવ, રશિયા-યુક્રેન વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન ટૂંક સમયમાં જ કિવ જાય તેવી શક્યતા છે. હકિકતમાં યુક્રેનને સમર્થન આપવા વ્હાઈટ હાઉસ તરફથી એક હાઈ લેવલ ડેલિગેશન કિવ જવાનું છે.
ત્યારપછી બાઈડન અથવા કમલા હેરિસ યુક્રેન જાય તેવી પણ શક્યતાઓ રજૂ કરવામાં આવી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને 9 એપ્રિલે ત્યાંની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન અમેરિકા પોતાને યુદ્ધમાં યુક્રેનની સાથે દેખાડવા માંગે છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેઓ વાતચીત કરે તેવી પણ શક્યતા છે. રિપોર્ટ્સ પ્રમાણે જો બાઈડન અને કમલા હેરિસ સિવાય અમેરિકન વિદેશ મંત્રી એન્ટી બ્લિંકન અને રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન પણ કિવ જાય તેવી શક્યતા છે. જોકે આ વિશે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ પહેલાં એપ્રિલ મહિનામાં બ્રિટેન, યુરોપીયન યુનિયન, ઓસ્ટ્રિયા, પોલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ પણ યુક્રેનની મુલાકાત લઈ ચૂક્યા છે.
યુદ્ધ દરમિયાન અમેરિકા સતત યુક્રેનને મદદ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ યુક્રેનને 800 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી છે. આમ અત્યાર સુધી અમેરિકાએ યુક્રેનની કુલ 3 બિલિયન ડોલરથી વધારે મદદ કરી દીધી છે.