યુનિફોર્મનો ઓટોરીક્ષા ફેડરેશને કર્યો વિરોધ, કહ્યું-હાલ રીક્ષાચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે
ગાંધીનગર: રાજ્યમાં રીક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રીક્ષાચાલકો માટે યુનિફોર્મ નક્કી કરાયો છે. રીક્ષા ચાલકો દ્વારા પહેરવામાં આવતા કપડા ઉપર વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાયદાની જાેગવાઈ પ્રમાણે રીક્ષાચાલકોની ઓળખ થઈ શકે એટલા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રીક્ષા ચાલકોના એસોસિયેશન સાથે અગાઉ આ સંદર્ભે બેઠક પણ કરી લેવામાં આવી હોવાનો દાવો સરકાર દ્વારા કરાયો છે. પરંતુ, રાજ્યમાં ઓટોરિક્ષાચાલકો માટે વાદળી ઍપ્રોન ફરજિયાત કરવાના નિયમનો ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશને વિરોધ વ્યક્ત કર્યો છે.
વાદળી ઍપ્રોન ફરજીયાત કરવાના નિયમને સરકાર પરત ખેંચે તેવી માંગ ઓટોરીક્ષા ફેડરેશન દ્વારા કરાઈ છે. ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે આ અંગે જણાવ્યું કે, લોકડાઉન બાદ પણ રાજ્ય સરકારે કોઈ આર્થિક મદદ કરી નથી, ત્યારે હાલ રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે. રાજ્ય સરકાર મદદ કરવાને બદલે ઍપ્રોન પહેરવાનો કાયદો લાવી રિક્ષાચાલકોને ગેરમાર્ગે દોરે છે. સરકારે આગેવાનો સાથે બેઠક કરવી જાેઈએ, કોઈ ચર્ચા કે વિશ્વાસમાં લીધા વગર આ નિયમ ઠોકી બેસાડ્યો છે.
તો બીજી તરફ, વાદળી ઍપ્રોન પહેરવા થયેલા પરિપત્રમાં વિવિધ ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશન સાથે વાત કર્યા બાદ નિર્ણય કરાયા અંગેનો ઉલ્લેખ કરાયો છે. પરંતુ ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખનો દાવો કે શહેરના કેટલાક આગેવાનોને બોલાવ્યો હોઈ શકે એ પણ અમારા ધ્યાનમાં નથી. અમને સરકારે બોલાવ્યા નથી, ન કોઈ વાતચીત થઈ છે.