યુનિયન બેંકે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો
મુંબઈ: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોનનો દર ઘટાડીને ૬.૭ ટકા કરી દીધો છે. બેંક પગારદાર વર્ગને સૌથી ઓછા દરે હોમ લોન આપશે. અત્યારસુધી કોઈ પણ બેંક દ્વારા ઓફર કરવામાં આવી રહેલો આ સૌથી ઓછો વ્યાજ દર છે. સામાન્ય રીતે સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરતી હોય છે. જોકે, યુનિયન બેંકે આ વખતે પણ પાછી રાખી દીધી છે. યુનિયન બેંક દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ૩૦ લાખ રુપિયા સુધીની લોનમાં જો મહિલા પણ સહ-અરજદાર હોય તો વ્યાજનો દર ૬.૭ ટકા રહેશે. જો મહિલા સહઅરજદાર ના હોય તો તેવા કેસમાં ૬.૭૫ ટકા વ્યાજ લેવાશે. જે અરજદારનો ક્રેડિટ સ્કોર ૭૦૦ જેટલો હોય,
તેને જ આ ઓફરનો લાભ મળશે. ૩૦થી ૭૫ લાખ રુપિયા સુધીની લોનનો વ્યાજ દર ૬.૯૫ ટકા રહેશે, જ્યારે તેનાથી વધુની લોન હાલ બેંક ૭ ટકાના વ્યાજ દરે ઓફર કરી રહી છે. હાલ એસબીઆઈ ૩૦ લાખ રુપિયા સુધીની લોનમાં જો મહિલા પણ સહઅરજદાર હોય તો ૬.૯૫ ટકાના દરે હોમ લોન ઓફર કરે છે. ગયા મહિને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સે પણ વ્યાજના દર ઘટાડીને ૬.૯ ટકા કરી દીધા હતા. બેંક ઓફ બરોડાના હોમ લોનના વ્યાજ દર પણ હાલ ૬.૮૫ ટકાથી શરુ થાય છે. માર્કેટ લીડર ગણાતી હાલ ૩૦ લાખ રુપિયા સુધીની લોન ૬.૯૫ ટકાના વ્યાજ દરે ઓફર કરે છે. જ્યારે ૩૦ લાખથી ૭૫ લાખ સુધીની હોમ લોનનો વ્યાજ દર ૭.૨ ટકા છે. ૦૬ ઓગસ્ટના રોજ આરબીઆઈની ત્રિમાસિક પોલિસી રિવ્યૂની જાહેરાત થવાની છે.
જેમાં રેપો રેટ વધુ ૦.૨૫ ટકા જેટલો ઘટે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. તેના પગલે હોમ લોનના વ્યાજ દરમાં ઓર ઘટાડો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, હાલની સ્થિતિમાં દેશમાં હોમ લોનના વ્યાજ દર રેકોર્ડ લાૅ સ્તર પર છે, અને તેમાં હજુય ઘટાડો થવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે.