Western Times News

Gujarati News

યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસના હોદ્દા માટે ઉમેદવારોનો ફિઝિકલ ટેસ્ટ ફરજિયાત

સ્પોર્ટસ ડાયરેક્ટર, આસિ. ડાયરેક્ટર કે અન્ય જગ્યા માટે ટેસ્ટ આપવો પડશે

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય વર્ષાેથી સ્પોર્ટસ ડાયરેક્ટરની જગ્યા ખાલી પડી છે

અમદાવાદ,યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં આગામી દિવસોમાં યુનિવર્સિટીઓમાં થનારી ભરતી સહિતના નિયમો માટેનો ડ્રાફ્ટ તૈયાર કરીને મંતવ્યો માટે રજૂ કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા પ્રમાણે હવે સ્પોર્ટસમાં ડાયરેક્ટર, આસિ. ડાયરેક્ટર કે અન્ય કોઇ જગ્યાઓ ભરવાની હોય તો પણ શારિરીક કસોટી લેવાની રહેશે. આ માટેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. વાસ્તવિક્તા એ છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય વર્ષાેથી સ્પોર્ટસ ડાયરેક્ટરની જગ્યા ખાલી પડી છે.

UGC દ્વારા નવા રેગ્યુલેશનમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, દેશની જુદી જુદી યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસ એજ્યુકેશન માટે અધ્યાપકો, ડાયરેક્ટર, ડે.ડાયરેક્ટર, ડાયરેક્ટર વગેરેની નિયુક્તિ કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી આ ભરતી સીધી અને પ્રમોશનના આધારે કરવામાં આવતી હતી, પરંતુ હવે પછી આ જગ્યાઓ પર કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવે તો તેના માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ જરૂરી છે. આ ટેસ્ટના આધારે તેઓ જે તે જગ્યા માટે મેડિકલી ફિટ છે તેવું સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે. એટલું જ નહીં, જે તે જગ્યા માટે ૧૨ મિનિટ સુધી રન-વોક ટેસ્ટ આપવી ફરજિયાત છે. આ ઉપરાંત ઉમેદવાર ૩૦ વર્ષ સુધીની વયમર્યાદા હોય તો ૧૮૦૦ મીટર, ૪૦ વર્ષની વયમર્યાદા હોય તો ૧૫૦૦, ૪૫ વર્ષથી વધુ વય મર્યાદા હોય તો ૧૨૦૦ અને ૪૫થી વધુ વયમર્યાદા હોય તો ૮૦૦ મીટરની દોડ ફરજિયાત છે.

આ જ રીતે મહિલાઓ માટે પણ ફિઝિકલ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી છે. જેમાં તમામ વયની મહિલા ઉમેદવારો માટે ૮ મિનિટ રન-વોક જરૂરી છે. મહિલા ઉમેદવારની વયમર્યદા ૩૦ વર્ષ સુધીની હોય તો ૧ હજાર મીટર, ૪૦ વર્ષ સુધી હોય તો ૮૦૦ મીટર અને ૪૫ વર્ષ સુધીની હોય તો ૬૦૦ મીટર અને જો ૪૫ વર્ષથી વધુની વય મર્યાદા હોય તો ૪૦૦ મીટરની ટેસ્ટ આપવી ફરજિયાત છે. શારિરીક રીતે વિકલાંગ હોય તેમને આ ટેસ્ટથી મુક્તિ આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આમ, હવે કોઇપણ યુનિવર્સિટીમાં સ્પોર્ટસ ડિપાર્ટમેન્ટની જુદી જુદી જગ્યાઓ પર નિયુક્તિ માટે પણ ફિઝિકલ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં સ્પોર્ટસ ડિપાર્ટમેન્ટમાં કોઇ ડાયરેક્ટર જ નથી. આ જ પરિસ્થિતિ જીટીયુમાં પણ જોવા મળી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.