યુપીઃ હિન્દુ મહાસભાના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા
લખનૌ,યૂપીની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીનાં અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કરવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. કમલેશ તિવારીની તેમની ઑફિસમાં જ ગળું કાપી હત્યા કરવામાં આવી છે. ગળુ કાપતા પહેલા ગોળી મારી હતી. બદમાશોએે કમલેશ તિવારી સાથે તેમના ઘરમાં બનેલી ઑફિસમાં મુલાકાત કરી હતી અને તેમની સાથે ચા પીધી હતી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને તેઓ ફરાર થઇ ગયા.
આ ઘટના લખનૌનાં નાકા વિસ્તારમાં બનવા પામી છે. કમલેશ પોતાને હિંદુ મહાસભાનાં નેતા ગણાવતા હતા. પોલીસ આને અત્યારે દુશ્મનીનાં કારણે થયેલી ઘટના માની રહી છે. સૂત્રો અનુસાર કમલેશ તિવારી સાથે નાકાનાં ખુર્શીદ બાગ સ્થિત ઑફિસમાં બે લોકો મળવા આવ્યા હતા. આ બંને મિઠાઈનો ડબ્બો લઇને આવ્યા હતા, જેમાં ચાકૂ અને તમંચો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ કમલેશ તિવારી સાથે મુલાકાત કરી. વાતચીત દરમિયાન બંને બદમાશોએ કમલેશ સાથે ચા પીધી, ત્યારબાદ તેમના પર ગોળી ચલાવી, પરંતુ લાગી નહીં. ત્યારબાદ બદમાશોએ કમલેશનું ગળું કાપી નાખ્યું અને શરીર પર પણ અનેક પ્રહાર કર્યા.