યુપીના મૈનપુરીમાં દલિત શખ્સને ટોળાએ ઢોર માર મારતા મોત
લખનઉ, ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ટોળા દ્વારા એક દલિત શખ્સને ઢોર માર મારવામાં આવતા તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ દલિત શખ્સ તેની સગીર દીકરીને વેચવાનો પ્રયાસ કરી રહ્યો હોવાની આશંકાને પગલે કેટલાક લોકોએ તેને માર મારતા તેનું મોત નિપજ્યું હતું.
રવિવારે સર્વેશ કુમાર (ઉ. 45)ને કેટલાક લોકોએ લાકડીઓ અને લોખંડના રોડ વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત દલિત શખ્સને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડતાં તેનું મોત થયું હતું. મોબ લિન્ચિંગની આ ઘટનામાં સામેલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. ટોળા દ્વારા દલિત શખ્સને માર મારતા તેનું મોત થયું હોવાથી હવે તેમાં રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે અને મૃતકના પરિવાર માટે ન્યાયની માંગ કરી છે.
મૈનપુરી પોલીસે જણાવ્યા મજુબ 6 સપ્ટેમ્બરે પોલીસને આ ઘટનાની ફરિયાદ મળી હતી. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરી તો સર્વેશ કુમાર નામનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. 7 સપ્ટેમ્બરે તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પોલીસને મળ્યો છે. લિન્ચિંગની ઘટનામાં સામેલ પાંચ પૈકીના ચાર લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે. પાંચમા શખ્સની શોધખોળ ચાલી રહી છે.
સમાજવાદી પાર્ટીએ મૃતક દલિત શખ્સના પરિવારને રૂ. 1 લાખની આર્થિક મદદની જાહેરાત કરી છે. સપાએ આક્ષેપ કરતા જણાવ્યું કે મૈનપુરીમાં સર્વેશ દિવાકરની બજરંગ દળના ગુંડાઓ દ્વારા કરાયેલી કરપીણ હત્યા દુઃખદ છે. મૃતકના પરિવારને અમે સાંતવના પાઠવીએ છીએ. સરકારે દલિત શખ્સના પરિવારના રૂ. 10 લાખની આર્થિક મદદ કરવી જોઈએ.