યુપીના શામલીમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, ૪ લોકોના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Fire-1024x768.jpg)
લખનૌ, ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે આખી બિલ્ડીંગ ઉડી ગઈ હતી અને કાટમાળ ચારે બાજુ ફેલાયો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,અચાનક જાેરદાર અવાજ આવ્યો હતો.જ્યારે ઘરની બહાર આવીને જાેયુ ત્યારે ફેક્ટરીનો કાટમાળ ચારે બાજુ ફેલાયેલો જાેવા મળ્યો હતો. તેમજ કેટલીક વસ્તુઓમાં આગ લાગી હતી.
ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ ટીમોએ અત્યાર સુધી કાટમાળ નીચેથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા છે. અહેવાલ છે કે કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે,
ડીએમ શામલી જસજીત કૌર પણ પોલીસ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું. ડીએમના જણાવ્યા મુજબ જે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થયો છે તે ગેરકાયદેસર હતું. હાલમાં ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવતા હતા.
જેના કારણે ગનપાઉડર અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો મોટો જથ્થો હતો. આ સ્થિતિમાં વિસ્ફોટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને ફેક્ટરી ઉડાવી દીધી હતી.HS