યુપીમાં આપ તમામ ૪૦૩ બેઠકો પર ચૂંટણી લડશેઃ સંજય સિંહ

લખનૌ, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી આગામી ચૂંટણીમાં તમામ ૪૦૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. આમ આદમી પાર્ટીના યુપી પ્રભારી સંજય સિંહે કહ્યું હતું કે રાજ્યની અંદર અમને નબળા માનવા ભુલ હશે, કારણ કે તાજેતરની પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.
સંજય સિંહે કહ્યું કે પાર્ટી આગામી વર્ષની ચૂંટણીમાં તમામ ૪૦૩ બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે અને અમે અન્ય કોઇ પક્ષ સાથે ગઠબંધન અંગે કોઇ વાટાઘાટોમાં નથી, અમારું સમગ્ર ધ્યાન હવે પક્ષની સ્થિતિ મજબૂત કરવા પર છે અને છેલ્લા દોઢ મહિનામાં અમે પાર્ટીને ઘણી મજબૂત બનાવી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા હતા, જે બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું અને કહેવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીમાં બંને પક્ષો એક સાથે આવી શકે છે.
એક ઇન્ટરવ્યુમાં સંજય સિંહે કહ્યું કે, યુપીમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા સારું પ્રદર્શન કર્યું હતું, ચૂંટણીમાં કોંગ્રેસે ૪૦ બેઠકો જીતી હતી, જ્યારે અમે ૮૩ બેઠક જીતી હતી. આ ચૂંટણીમાં આપને ૪૦ લાખથી વધુ મત મળ્યા હતા, જ્યાં પાર્ટીના ૧૬૦૦ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
આમ આદમી પાર્ટી આગામી વર્ષે યુપી સાથે ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણી લડશે. દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી પંજાબમાં વિપક્ષની ભૂમિકામાં છે. દિલ્હી અને પંજાબ સિવાય પાર્ટી હવે અન્ય રાજ્યોમાં તેના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે કે તે પાર્ટીનો વિસ્તાર કરવા માંગે છે.
આ રાજ્યો ઉપરાંત પાર્ટી હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ચૂંટણીની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આપની એન્ટ્રી થતા ભાજપે પોતાના સમીકરણો બદલવા પડી રહ્યા છે ત્યારે હવે જાેવાનું એ રહે છે કે ઉત્તરપ્રદેશમાં સ્થિતી શું થાય છે. ઉત્તરપ્રદેશમાં આમ પણ ભાજપ માટે સપા અને બીએસપી મોટો પડકાર છે.HS