Western Times News

Gujarati News

યુપીમાં ઝિકા વાઈરસનું તાંડવઃ કાનપુરમાં ૧૬, લખનૌમાં ર૬ નવા કેસ

કાનપુર, ઉત્તરપ્રદેશમાં ઝિકા વાઈરસ તાંડવ મચાવી રહ્યો છે અને તેના કેસ સતત વધી રહ્યા છે. કાનપુરમાં ઝિકા વાઈરસના ૧૬ અને લખનૌમાં ર૬ નવા કેસ સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કાનપુરમાં અત્યાર સુધીમાં ઝિકા વાઈરસના કુલ ૧૦પ સંક્રમિતો સામે આવી ચૂક્યા છે. મંગળવારે કાનપુરમાં જે ૧૬ નવા કેસ સામે આવ્યા તેમાં બે સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ઝિકા વાઈરસની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે કાનપુરના પ્રવાસ દરમિયાન અધિકારીઓ સાથે ઝિકા વાઈરસની સ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરશે.

નવા સંક્રમિતોમાં બે સગર્ભા સહિત સાત મહિલાઓનો સમાવેશ થાય છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અધિકારીઓએ અલ્ટ્રા સાઉન્ડ સોનોગ્રાફી કરાવી હતી. ઝિંકા સંક્રમિત એક ગર્ભવતી મહિલા કાઝીખેડાની અને બીજી ફેથફુલગંજની રહેવાસી છે.

કાનપુર ઉપરાંત લખનૌમાં ઝિકા સંક્રમણના નવા કેસ સતત સામે આવી રહ્યા છે. મંગળવારે લખનૌમાં ઝિકાના ર૬ નવા કેસ સામે આવ્યા હતા. રાજધાની લખનૌના એશબાગ, અલીગંજ, ઈન્દિરાનગર, મલિહાબાદ, નગરામ, એન.કે.રોડ, આલમબાગ, સરોજિનીનગર, ગોસાઈગંજ અને રેડક્રોસ વિસ્તારમાંથી નવા કેસ સામે આવ્યા છે.

જિલ્લા મેલેરિયા અધિકારીની ટીમે મચ્છરજન્ય સ્થિતિ મળી આવતા ૧૧ ઘરને નોટિસ પણ બજાવી છે. કાનપુરમાં ચકેરી ક્ષેત્રના પોખરપુર, આદર્શનગર, તિવારીપુર, બગિયા વિસ્તારોમાં ઝિકા વાઈરસના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સોર્સ રિડકશન અભિયાન ચલાવી રહી છે.

સંક્રમિતોના ઘરની ચારે બાજુ ૪૦૦ મીટરના દાયરામાં એન્ટી લારવા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને સંક્રમિતોના સંપર્કમાં આવનારા લોકોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.