યુપીમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા સાતની ધરપકડ કરાઈ
ઉત્તરપ્રદેશ, ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ દેશમાં ઠેક ઠેકાણે ફટાકડા ફૂટતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પાકિસ્તાની જીતની ઉજવણી કરનારા પર હવે યુપી પોલીસ આકરૂ વલણ અપનાવી રહી છે. પોલીસે સાત લોકોની અત્યાર સુધીમાં આ માટે ધરપકડ કરી છે. બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથનુ કહેવુ છે કે, રાજ્યમાં પાકની જીતને સેલિબ્રેટ કરનારાઓ સામે દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરે ભારતની કારમી હાર બાદ યુપી અને દેશના બીજા હિસ્સાઓમાં કેટલાક લોકોએ ફટાકડા ફોડીને અને નારાઓ લગાવીને પાકિસ્તાનની જીતને વધાવી લીધી હતી.
યુપીમાં બરેલી, બદાયુ, સીતાપુર અને આગ્રામાં બનેલી આવી ઘટનાઓમાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ઉજવણીના મામલામાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો એવા છે જેમણે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના ઝંડો લગાવીને અથવા તો પાક ખેલાડીઓનુ સમર્થન કરીને પાકિસ્તાનની જીતની ઉજવણી કરી હતી.