યુપીમાં પ્રદર્શન કરવા બદલ ખેડૂત નેતાઓને 50 લાખ જમા કરાવવવાની નોટિસ

લખનૌ, યોગી આદિત્યનાથની સરકારે યુપીના સંભલ જિલ્લાના કેટલાક ખેડૂતોને દેખાવો કરવા બદલ 50 લાખ રુપિયાની નોટિસ ફટકારી છે.
જોકે સરકારની આ પ્રકારની હરકત સામે ઉહાપોહ વધી રહ્યો છે.મળતી વિગતો પ્રમાણે ભારતીય કિસાન યુનિયનના 6 ખેડૂતો નેતાઓને કલેક્ટર તરફથી નોટિસ આપવામાં આવી છે.જેમાં નેતાઓને 50 લાખ રુપિયાના પર્સનલ બોન્ડ જમા કરવા માટે આદેશ અપાયો છે.આ નોટિસ બીજા ખેડૂતોને પ્રદર્શન માટે ઉશ્કેરવાના આરોપસર અપાઈ છે.
જોકે હવે જ્યારે વિરોધ વધી ગયો છે ત્યારે પોલીસનુ કહેવુ છે કે, બોન્ડની રકમ ખોટી લખાઈ છે અને તેને સુધારવામાં આવશે.જ્યારે ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે, સરકારની હરકત લોકશાહીનુ ગળુ દબાવવા સમાન છે.
આ પહેલા પણ 12 અને 13 ડિસેમ્બરે 6 ખેડૂતોને પાંચ લાખની નોટિસ આપવામાં આવી હતી.એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પોલીસે કહ્યુ છે કે, જેમને 50 લાખ જમા કરાવવાની નોટિસ મળી છે તેમાં રકમ ખોટી લખાઈ છે.આ રકમ 50000 રુપિયા છે અને કલેક્ટર હાલમાં રજા પર છે , તેઓ ફરજ પર પાછા ફરશે ત્યારે રકમમાં સુધારો કરવામાં આવશે. ખેડૂતોનુ કહેવુ છે કે, પોલીસ કેટલાય સમયથી અમારા ગામમાં ચક્કર લગાવે છે.ખેડૂતો પ્રદર્શનની વાત કરે તે સાથે જ તેમની ધરપકડ કરી લેવામાં આવે છે.