યુપીમાં બે સપ્તાહ માટે ચૂંટણી સભાઓ અને બીજા કાર્યક્રમો પર કોંગ્રેસે રોક લગાવી

લખનૌ, કોરોનાના વધતા જતા કેસોને લઈને કોંગ્રેસે હવે યુપી વિધાનસભા માટેના પોતાના ચૂંટણી પ્રચાર પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી છે. કોંગ્રેસે જાહેર કર્યુ છે કે, બે સપ્તાહ સુધી અમારી પાર્ટી કોઈ જાહેર સભા અને બીજા કોઈ કાર્યક્રમનુ આયોજન નહીં કરે.
કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટી કોરોનાના વધી રહેલા કેસના કારણે ચિંતામાં છે.યુપીમાં અમે બે સપ્તાહ સુધી જાહેર સભાઓ કે પ્રચાર નહીં કરે અને એ પછી આગળની સ્થિતિ જોઈને નિર્ણય લેવાશે.કોંગ્રેસની જેમ બીજા પાર્ટીઓએ પણ વિચાર કરવો જોઈએ.અન્ય રાજ્યોમાં જે સ્થિતિ છે તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, દેશમાં આજે જે સ્થિતિ સર્જાઈ રહી છે તે માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.દેશમાં વેક્સીનની અછત છે અને બાળકોનુ વેક્સીનેશન તો શરુ જ થયુ નથી.
કોંગ્રેસ દ્વારા યુપીમાં યોજનારી મેરેથોન પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.કોંગ્રેસ હવે યુપીમાં ડિજિટલ અને સોશિયલ મીડિયા પર પ્રચાર માટે વધારે ભાર મુકશે.