યુપીમાં લગભગ ૮૦ જેટલા વર્તમાન ધારાસભ્યોને ભાજપ ઘરભેગા કરવાની તૈયારીમાં

લખનૌ, યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને સોમવારે ભાજપની એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. જેમાં પાર્ટીના મોટા માથાઓએ ઉમેદવારોના લિસ્ટને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ વખતે લગભગ ૮૦ જેટલા વર્તમાન ધારાસભ્યોને ભાજપ ઘરભેગા કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત લગભગ એક ડઝન જેટલી એવી સીટો છે, જેના પર ઉમેદવારો આમથી તેમ થઈ જશે.
જણાવી દઈએ કે, ભાજપમાંથી મોટી સંખ્યામાં ટિકિટ કપાતા પાર્ટીમાં ફરી એક વાર હોબાળો મચી ગયો છે. હકીકતમાં આ અગાઉ ઓબીસી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય કેટલાય ભાજપના ધારાસભ્યો સાથે સમાજવાદી પાર્ટીમાં જાેડાઈ ગયાં છે.
હવે પાર્ટીને ચિંતા છે કે, હાલના ધારાસભ્યોની ટિકિટ કપાતા ક્યાંક ફરી વાર આવી નાસભાગ ન થાય તેની પણ ચિંતા સતાવી રહી છે.
સોમવારે થયેલી પાર્ટીની કોર કમિટીની બેઠક દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં થઈ હતી. તેમાં ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શામેલ થયાં હતા. ત્યાર બાદ મંગળવારે ઉમેદવારોના લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે.
આપને જણાવી દઈએ કે, ભાજપ રાજ્યની કુલ ૪૦૩ સીટમાંથી લગભગ ૩૮૦ સીટો પર ચૂંટણી લડે તેવી આશા છે. બાકી વધેલી સીટો તેમના સહયોગીના ખાતામાં જશે. જેમાં અપના દળ અને નિષાદ પાર્ટી શામેલ છે. સોમવારે ભાજપ તરફથી સાત તબક્કાની ચૂંટણી માટે અંતિમ તબક્કાના ઉમેદવારોના નામને શોર્ટ લિસ્ટ કર્યા છે. જેમાં ૧૭૨ સીટો શામેલ છે. પાર્ટી પહેલા જ ૧૯૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુક્યું છે.
સૂત્રોએ કહ્યું છે કે, ભાજપ હાઈકમાન્ડ વધારે સંખ્યામાં વર્તનમાન ધારાસભ્યોની ટિકિટ કાપવાના પક્ષમાં હતું. પણ હાલમાં જ ત્રણ મંત્રીઓ અને લગભગ એક ડઝન જેટલાય ધારાસભ્યો પાર્ટીમાંથી બહાર થઈ જતાં, થોડી સાવધાની સાથે કામ લઈ રહ્યા છે.ભાજપના સહયોગી દળની વાત કરીએ તો, અપના દળ ૨૦૧૭માં ૧૧ સીટો પર ચૂંટણી લડી હતી. પણ આ વખતે ડબલ સીટોની માગ કરી રહ્યા છે.
નિષાદ પાર્ટીનો પણ આવો જ મૂડ છે. હાલમાં ભાજપ કથિત રીતે અપના દળ માટે ૨૦૧૭થી બે- ત્રણ સીટોથી વધારે આપવાના મૂડમાં નથી.HS