યુપીમાં વોન્ટેડ છ ગુનેગાર પોલીસ સ્ટેશન પહોંચ્યા
લખનૌ: પોલીસ એન્કાઉન્ટર કરી નાંખશે તેવા ડરથી યુપીમાં ગુનેગારો થથરી રહ્યા છે. યુપીના શામલીમાં આવા જ ડરથી એક કેસમાં વોન્ટેડ ૬ આરોપીઓ બુધવારે પોલીસ સ્ટેશન ખાતે હાથ ઉંચા કરીને પહોંચ્યા હતા અ્ને સામે ચાલીને પોતાની ધરપકડ કરાવી લીધી હતી. એટલુ જ નહીં આ આરોપીએ ભવિષ્યમાં અમે ગુનાઈત કૃત્ય નહીં કરીએ તેવા સોગંદ પણ ખાધા હતા.
આ આરોપીઓ ફુરકાન, ફરમાન, તાસીમ, ઈનામ, નૌશદ અને હાશિમની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ કહ્યુ હતુ કે, અમે જાતે જ પોલીસ મથક પહોંચીને આત્મસમર્પણ કર્યુ હતુ અને ફરી ગુનો નહીં કરવાના સોગંદ પણ લીધા છે.
પોલીસના કહેવા પ્રમાણે પાંચ મહિના પહેલા પોલીસે ધારાસભ્ય ચૌધરી નાહિદ હસન અને તેમની માતા સહિત ૪૦ લોકો સામે ગેંગસ્ટર એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. ૧૬ આરોપીઓ પહેલા જ સરેન્ડર કરી ચુકયા છે.
જાેકે યુપીમાં એન્કાઉન્ટરના ડરથી અન્ય કેસોમાં પણ આરોપીઓ સરેન્ડર કરી ચુકયા હોય તેવી ઘટનાઓ બનેલી છે.