યુપી ગેટ પાસે ફરી એકઠી થઇ ખેડૂતોની ભારે ભીડ
ગાજિયાબાદ: ભારતીય કિસાન યૂનિયનના સમર્થક દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર શુક્રવારે ફરી એકવાર એકઠા થવા લાગ્યા છે. તેના લીધે ભારે સંખ્યામાં ભીડ જમા થઇ ગઇ છે. જાેકે ગાજિયાબાદના વહિવટીતંત્રએ યૂપી ગેટ પાસેથી પ્રદર્શનકારીઓને હટવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. અહીં સુરક્ષાબળ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઇએ કે ભારતીય કિસાન યૂનિયનના આહવાન પર પશ્વિમી ઉત્તર પ્રદેશના જિલ્લા બાગપત, બિઝનૌર, મેરઠ, મુરાદાબાદ, મુફજ્જરનગર અને બુલંદશહેર થી વધુ ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે યૂપી ગેટ પર પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યૂપી ગેટ પર ગાજીપુરમાં એક સમયે ટકરાવની સ્થિતિ સર્જાઇ હતી, જ્યારે ગુરૂવારે સાંજે પ્રદર્શન સ્થળ પર વિજળીનો કાપ સતત કરવામાં આવ્યો.
ગાજીપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ભારતીય કિસાન યૂનિયન ના સભ્ય ગત ૨૮ નવેમ્બર ૨૦૨૦થી ધરણા આપી રહ્યા છે. ગાજિયાબાદના ડીએમ અજય શંકર પાંડેય અને એસએસપી કલાનિધિ નૈથાની અડધી રાત બાદ પ્રદર્શન સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. હજુ ઘટનાસ્થળે સુરક્ષાબળ તૈનાત છે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, આરએલડી નેતા જયંત ચૌધરી અને ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ કિસાન આંદોલનને પોતાની પાર્ટીનું સમર્થન આપ્યું છે.