યુવકના ત્રાસથી પરિણીતાએ ૭મા માળેથી પડતુ મુક્યું

પ્રતિકાત્મક
એલીસબ્રીજ પોલીસે કાર્યવાહી શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, એક પરણીત મહીલા સાથે જબરદસ્તીથી સંબંધ બાધ્યા બાદ આ સંબંધથી છુટકારો મેળવવા પરણીતાએ પતિ સાથે શહેર છોડી દીધા છતાં શખ્સ તેનો પીછો કરી અમદાવાદ આવ્યો હતો અને ત્યારબાદ પણ દબાણ કરી પોતાની સાથે લગ્ન કરવા તથા સંબંધ રાખવા માટે મજબુર કરતાં માનસિક રીતે ત્રસ્ત થયેલી મહીલાએ સાતમા માળની ગેલેરીમાંથી પડતું મુકતા ચકચાર મચી છે.
એલીસબ્રીજમાં આવેલી ભુદપુરા આવાસ યોજનાના મકાનમાં રહેતા ચંદુભાઈ પરમારે ફરીયાદ નોંધાવી છે કે તેમની મોટી દીકરી આરતીના લગ્ન પાંચ વર્ષ અગાઉ અરવલ્લીના ભિલોડામાં થયા હતા ત્યારબાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો એ દરમિયાન તેના સાસરીયા ખાતે પાડોશમાં રહેતો દિનેશ રમણભાઈ બારીયા પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવતો હતો
અને પરેશાન કરી સંબંધો રાખવા દબાણ કરતો હતો. આ ઘટના પિતાને જણાવ્યા બાદ આરતી પતિ તથા પુત્ર સાથે અમદાવાદમાં સિંધુ ભવન રોડ ખાતે રહેવા આવી હતી જેની જાણ થતાં દિનેશ પણ વાડજ ખાતે રહેવા આવ્યો હતો અને ફરી આરતીને પરેશાન કરવા લાગ્યો હતો.
ઉપરાંત છેલ્લા દોઢ માસથી પિતાના ઘરે એલીસબ્રીજ ખાતે રહેતી આરતીને પોતાની સાથે ફરવા આવવાનું કહેતા તેણે ઈન્કાર કર્યો હતો જાેકે દિનેશે ફરવા ન આવે તો આરતીના પિતા તથા ભાઈને મારી નાંખવાની ધમકીઓ આપતા તે ગભરાઈને દિનેશ સાથે ગઈ હતી. આ રીતે વારંવાર બનતુ હતું.
બુધવારે પણ દિનેશ તેને આ રીતે લઈ જતાં તેણે સંબંધ રાખવાની ના પાડી હતી તેમ છતાં દિનેશે ધાકધમકી આપતાં ગુરૂવારે આ સમગ્ર ઘટનાથી પરેશાન આરતીએ પિતાના ઘરે સાતમા માળેથી કુદીને આત્મહત્યા કરી લેતા તમામ ચોંક્યા હતા. આ ઘટનાની જાણ થતાં એલીસબ્રીજ પોલીસે દિનેશ વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.